ટ્વિટ કરતા લખ્યું કે હવે જોવાનું એ રહ્યું કે કોર્ટ કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને મોદી અટક પર ટિપ્પણી કરવા મામલે બે વર્ષની સજા કરાઈ છે
મોદી સરનેમ અંગે વાંધાજનક ટિપ્પણી મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા થયા બાદ તમામ વિપક્ષી દળોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સૌની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી રેણુકા ચૌધરીએ કહ્યું કે મારા પર 2018માં સંસદમાં કરાયેલી કથિત સુપર્ણખા ટિપ્પણી મામલે હું વડાપ્રધાન મોદી સામે માનહાનિનો કેસ દાખલ કરીશ. પૂર્વ કેન્દ્રીયમંત્રીએ પીએમ મોદીની એ જૂની વીડિયો ક્લિપ પર ટ્વિટ કરી હતી.
રેણુકા ચૌધરીએ કરી ટ્વિટ
રેણુકા ચૌધરીએ ટ્વિટ કરતાં લખ્યું કે હવે જોઈએ કોર્ટ કેટલી ઝડપથી કામ કરે છે. પૂર્વ કેન્દ્રીયમંત્રીએ પીએમ નરેન્દ્ર મોદીની એ કોમેન્ટનો વીડિયો પણ સાથે ટ્વિટ કર્યો હતો. જેમાં પીએમ મોદીએ રાજ્યસભાના અધ્યક્ષને રેણુકા ચૌધરીને હસવા દેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે રામાયણ સિરિયલ બાદ હવે આવું હાસ્ય સાંભળવા મળ્યું છે.
પીએમ મોદી સામે કર્યા પ્રહાર
કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ પીએમ મોદીને સ્તરહીન કહેતા લખ્યું કે તેમણે મને ગૃહમાં સુપર્ણખા કહ્યા હતા. હું તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરીશ. હવે અમે જોઈશું કે કોર્ટ કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે. રેણુકા ચૌધરીએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર સામે લડતા માફી માગવાનો ઈનકાર કરી દીધો તેમણે ફાસીવાદ વિરુદ્ધની લડાઈમાં માફીની પસંદગી નથી કરી. તેમણે સત્ય બોલવા બદલ માફી માગવાનો ઈનકાર કરી દીધો છે.
મામલો શું છે?
7 ફેબ્રુઆરી 2018ના રોજ રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણ દરમિયાન વિપક્ષ તરફથી ભારે હોબાળો મચાવાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની કોઈ વાત પર જોરદાર રીતે હસવા લાગ્યા હતા. ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે સભાપતિજી, મારી તમને પ્રાર્થના છે કે રેણુકાજીને તમે કંઈ ન કહેશો. રામાયણ સિરિયલ બાદ આવું હાસ્ય સાંભળવાનું આજે સૌભગ્ય પ્રાપ્ત થયું છે.