PM મોદીએ યુપીને આપી 60 હજાર કરોડની પરિયોજનાની ભેટ
લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લખનઉમાં 60 હજાર કરોડની 81 પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સૂટ-બૂટની સરકાર કહેનાર વિપક્ષને આડે હાથે લીધા હતા. મોદીએ કહ્યું હતું કે ઉદ્યોગપતિઓ સાથે તસવીરો પડાવવાથી કોઈના પર ડાઘ લાગતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક લોકો એવા પણ છે જેમની ઉદ્યોગપતિઓ સાથે તસવીરો નથી પણ એવો કોઈ ઉદ્યોગપતિ નથી જેમને ઘરે તેમણે દંડવત કર્યા હોય. જો કે તેમણે સાથે પૂર્વ એસપી નેતા અમરસિંહ તરફ ઇશારો કરતા કહ્યું હતું કે અમર સિંહ પાસે બધાની હિસ્ટ્રી છે.
મોદીએ મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તેમનું જીવન એટલું પવિત્ર હતું. છતા તેમને બિરલા જી સાથે પરિવાર સાથે રહેવામાં કોઈ સંકોચ થયો ન હતો કારણ કે તેમનો ઈરાદો સાફ હતો. વિપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું કે જે લોકોએ પબ્લિક સામે ઉદ્યોગપતિઓને મળવું નથી પણ પડદા પાછળ બધું કરવું છે, તેમને ડર લાગે છે. મોદીએ રોકાણ પર કહ્યું હતું કે અમે ઉદ્યોગપતિ સાથે ઉભા રહેતા ડરતા નથી. નીયતિ સાફ હોય અને ઇરાદો સ્પષ્ટ હોય તો પરિણામ સારું જ આવે છે. રોકાણકારોને વિશ્વાસ અપાવવા માંગું છં કે પ્રગતિની દોડમાં વધારે આગળ વધવાનું છે. પ્રોજક્ટ તૈયાર થતા જશે તેમ રોકાણ કરવું વધારે સરળ બની જશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે વર્ષોથી જીએસટી અટકી હતી. તેણે દેશને ટેક્સ જાળમાંથી મુક્ત કરી છે. તેનો ફાયદો પણ ઉદ્યોગજગતને થયો હતો. મેં યુપીની 22 કરોડ જનતાને કહ્યું હતું તેમના પ્રેમને વ્યાજ સાથે પરત કરીશ. આ પ્રોજેક્ટ તેનો જ એક ભાગ છે. અમે એવી વ્યવસ્થા બનાવવા માંગીએ છીએ જ્યાં કોઈની સાથે ભેદભાવ ન હોય. બધાની સાથે સમાન વહેવાર હોય. સબકા સાથ સબકા વિકાસ અમારો સંકલ્પ છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે યુપીમાં જે પ્રોજેક્ટ શરૂ થયા છે. તેનાથી બે લાખથી વધારે યુવાઓને સીધો રોજગાર મળશે. અહીં ઉદ્યોગ લાગશે અને સ્થાનિક લોકોને પણ અપ્રત્યક્ષ રોજગાર મળશે.