ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એપલ કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીની હત્યાના મામલે હવે નવો વળાંક આવ્યો છે. એફઆઇઆરને લઇને ઊભા થયેલા સવાલો પછી હવે પોલીસે મૃતક વિવેકની પત્નીની ફરિયાદના આધારે કેસ નોંધી લીધો છે. આ પહેલા પોલીસે ઘટના સમયે વિવેકની સાથે કારમાં બેઠેલી તેમની સહકર્મચારી સનાના નામ પર એફઆઇઆર નોંધી હતી, જેમાં બહુ જ ચાલાકી સાથે એવું સાબિત કરવાની કોશિશ કરવામાં આવી હતી કે પોલીસે વિવેક પર ગોળી ચલાવી જ નથી.
મુખ્યમંત્રી યોગીને મળી વિવેકની પત્ની
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે સોમવારે વિવેક તિવારીની પત્ની કલ્પના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માની સાથે સીએમ આવાસ પહોંચી. કલ્પના સાથે તેના ભાઈ વિષ્ણુ શુક્લા પણ હતા. આ પહેલા મુખ્યમંત્રી યોગીએ રવિવારે વિવેકની પત્ની સાથે ફોન પર વાત કરી હતી, ત્યારે કલ્પનાને મળીને વાત કરવા માટે જણાવ્યું હતું. તેમણે કલ્પનાને 25 લાખ રૂપિયા તેમજ સરકારી નોકરી, બંને દીકરીઓને પાંચ-પાંચ લાખની એફડી તેમજ માને પણ પાંચ લાખની એફડી આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રવિવારે જ પોલીસે કલ્પનાની ફરિયાદના આધારે એફઆઇઆર નોંધી.
કલ્પનાની નવી એફઆઇઆરમાં શું લખ્યું
– લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી એફઆઇઆરમાં વિવેકની પત્નીએ પણ સનાના નિવેદનનો હવાલો આપીને ફરિયાદ નોંધાવી છે. એફઆઇઆરમાં લખવામાં આવ્યું છે, “મારા પતિ એપલ કંપનીમાં કાર્યરત હતા, જેમની હત્યા પ્રશાંત ચૌધરી દ્વારા કરવામાં આવી છે અને જેની જાણકારી મારા પતિ સાથે કામ કરતી સના દ્વારા આપવામાં આવી છે, જે નીચે લખ્યા પ્રમાણે છે,
‘આજે રાતે હું અને મારા સહકર્મી ASM સાહેબ રાતે લગભગ દોઢ વાગે જ્યારે ઘરે પાછા આવી રહ્યા હતા, ત્યારે અચાનક પ્રશાંત ચૌધરી અને સંદીપકુમાર, કારની સામે આવી ગયા. ASM સાહેબ ડરના કારણે અને મહિલા સાથે હોવાને કારણે ગાડી આગળ વધારવાની કોશિશ કરવા લાગ્યા, તે જ સમયે મોટર સાયકલ પરથી એક સિપાહી ઉતર્યો, જે પાછળ બેઠેલો હતો અને તેની પાસે એક ડંડો હતો. તથા આગળ બેઠેલા પ્રશાંત ચૌધરીએ કાચ સામે તેની પિસ્તોલ અડાડીને મારી નાખવાના ઉદ્દેશ સાથે ફાયર કર્યું, જેનાથી તેમની હત્યા થઈ ગઈ.'”
– વિવેકની પત્નીએ સનાના નિવેદનના આધારે પોતાની એફઆઇઆરમાં આગળ લખાવ્યું છે, ‘જડબામાં ગોળી વાગી અને અડધો કિલોમીટર પછી ગાડી થાંભલા સાથે અથડાઈ ગઈ. આ દરમિયાન ત્યાં જે પોલીસવાળાઓ આવ્યા, તેમણે ન તો મને કોઇને ફોન કરવા દીધો અને ન તો કોઇનો ફોન ઉઠાવવા દીધો અને જબરદસ્તી સાદા કાગળ પર મારી પાસે સહી કરાવી લીધી અને પછી મીડિયા તથા પોલીસ ઉચ્ચાધિકારીઓના દબાણમાં મને જબરદસ્તી બોલી-બોલીને તે જ કાગળ પર લખાવવામાં પણ આવ્યું. હું તે સમયે ડરેલી હતી એટલે લખતી ગઈ.’
– હાલ આ મામલે એસઆઇટી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગીએ દોષિતો પર કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે આ ઘટના સાથે જોડાયેલા વણઉકલ્યા સવાલોના જવાબ ક્યાં સુધીમાં મળે છે.