નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રટે ફરી એકવાર એવું કામ કર્યું છે જેનાથી દુનિયાભરના રાજનેતા પ્રેરણા લઈ શકે છે. રટે કાર્પેટ પર પડેલી કૉફીને સાફ કરી અને ચુપચાપ પોતાની ઑફિસ તરફ નીકળી ગયા. અસલમાં પાર્લામેન્ટમાંથી નીકળતી વખતે રટના હાથમાંથી કૉફીનો કપ નીચે પડી ગયો અને કૉફી કાર્પેટ પર ફેલાઈ ગઈ. તેમણે તરત કપ ઉઠાવી સફાઈ કરવા આવેલી મહિલા પાસેથી પોતું લીધું અને સફાઈ કરી દીધી. તેમના આ કામને બિરદાવતા ત્યાં ઊભેલા કર્મચારીઓ તાળીઓ પાડીમાર્ક રટનો સફાઈ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોએ તેમના કામની પ્રશંસા કરી. પાકિસ્તાનના જાણીતા પત્રકાર હામિદ મીરે તેમનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો અને લખ્યું કે, ‘ક્યારેક વડાપ્રધાન સફાઈ કર્મચારીનું કામ પણ કરી શકે છે પણ આપણી બાજુ આવું થતું નથી. હું માર્ક રટની વિનમ્રતાનો ચાહક બની ગયો છે અને આ કારણે જ તેઓ ડચ લોકોમાં આટલા પ્રિય છે.’જણાવી દઈએ કે, માર્ક રટ સામાન્ય નેતાઓ કરતા અત્યંત સાધારણ રીતે રહે છે. ગત વર્ષે ઑક્ટોબરમાં તેમની એક તસવીર સામે આવી હતી જેમાં તેઓ રાજાને મળવા માટે સાઈકલ પર ગયા હતા. ફોટોમાં તે સાઈકલ પાર્ક કરતા દેખાઈ રહ્યાં છે. તે વડાપ્રધાન ઑફિસ પણ સાઈકલ વડે જ જાય છે.ઉલ્લેખનીય છે કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નેધરલેન્ડના પ્રવાસે ગયા ત્યારે રટને તેમને પણ એક સાઈકલ ગિફ્ટ કરી હતી