વડાપ્રધાન મોદી બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે

0
5

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ જુલાઈના રોજ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે પેરિસ જશે. ભારતના વિદેશ મંત્રાલયે આ જાણકારી શુક્રવારે આપી હતી. આ સાથે જ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય સેનાની એક ટૂકડી ફ્રાંસની સેના સાથે આ પરેડમાં ભાગ લેશે. 

વિદેશ મંત્રાલય દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત – ફ્રાંસની વ્યૂહાત્મક ભાગીદારીની ૨૫મી વર્ષગાંઠના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના ફ્રાંસના રાષ્ટ્પતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. 

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને હિન્દીમાં ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેસ્ટિલ ડે પરેડમાં સામેલ થવાનું આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે, તેઓ ૧૪ જુલાઈના રોજ યોજાનાર પરેડમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રા ભારત અને ફ્રાંસના સંબંધો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારત અને ફ્રાંસની શાંતિ અને સુરક્ષા પર સહિયારી દ્રષ્ટિ છે. બંને દેશો યુરોપ, ઈન્ડો- પેસિફિક અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટડના ઉદ્દેશો અને સિદ્ધાંતોને મહત્ત્વ આપે છે.