-સતત સાતમી વખત થાઈલેન્ડની રચાનોક ઈન્તાનોનને સિંધૂએ હરાવી
-અત્યંત રોમાંચક બનેલી મેચમાં સિંધૂએ 21-16 25-23થી બાજી જીતી
એજન્સી, નવી દિલ્હી:
ભારતીય બેડમિન્ટન સ્ટાર પી વી સિંધૂએ વર્લ્ડ ટુર ફાઈનલ્સમાં તેના વિજયરથ આગળ ધપાવતા ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. સિંધૂએ શનિવારે રમાયેલી રોમાચંક મેચમાં સિંધૂએ થાઈલેન્ડની રચનોત ઈન્તાનોનને 21-16, 25-23થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે જ હવે ફાઈનલમાં સિંધૂની ટક્કર નોઝોમી ઓકુહારા સાથે થશે.
સિંધૂએ ક્વાર્ટર ફાઈનલમાં યુએસની બીવેન ઝાંગને સરળતાથી પરાસ્ત કર્યા બાદ આજે રમાયેલી સેમીફાઈનલમાં ઈન્તાનોને પ્રથમ સેટમાં આસાનીથી હરાવી હતી. જો કે થાઈલેન્ડની ખેલાડી બીજા સેટમાં ખુબજ સાવધ બની ગઈ હતી અને દરેક પોઈન્ટ માટે પડાપડી જોવા મળી હતી. સિંધૂએ પોતાની જાદૂઈ રમત દાખવી અને આખરે ક્રોસ કોર્ટ સ્મેશ દ્વારા તેમજ ગ્રાઉન્ડને સારી રીતે કવર કરીને રમત રમતા તેણે આ મેચ પોતાના નામે કરી લીધી હતી.
થાઈલેન્ડની બેડમિન્ટન ખેલાડી ઈન્તાનોને બીજા રાઉન્ડમાં સિંધૂ સામે ઘણા બોડી શોટ રમ્યા હતા જેથી શરૂઆતમાં સિંધૂને મુશ્કેલી પડી હતી. જો કે ભારતીય બેડમિન્ટન સ્ટાર સિંધૂએ વિસમ પરિસ્થિતિમાં પોતાની આગવી રમતનું પ્રદર્શન જારી રાખીને મજબૂતી સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આવતીકાલે ફાઈનલમાં સીંધૂનો મુકાબલો જાપાનની વર્લ્ડ નંબર 5 નોઝોમી ઓકુહારા સાથે થશે.