ઘાટકોપરના આર સિટી મૉલમાં આવેલા કિડઝાનિયા એન્ટરટેઈનમેન્ટ થીમ પાર્કમાં દહિસરની એક સ્કૂલની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવાના આરોપસર પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. ૨૦ વર્ષના આરોપીએ બાર વર્ષની વિદ્યાર્થિનીની ટૉય કારમાં સીટ બેલ્ટ બાંધવાને બહાને છેડતી કરી હતી. કિડઝાનિયા થીમ પાર્કમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન પાર્ટનર છે જે ૨૦૧૩માં આર સીટી મૉલમાં શરૂ કરાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ દહિસરમાં રહેતી ૧૨ વર્ષની પીડિત ગુજરાતી સ્ટુડન્ટ દહિસરમાં આવેલી લેક્સિકન ગ્લોબલ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણે છે. સ્કૂલ દ્વારા ૧૮ સપ્ટેમ્બરે ધોરણ ૬, ૭ અને ૮ના વિદ્યાર્થીઓને કેટલીક ટીચરો સાથે આરસીટી મૉલમાં આવેલા કિડઝાનિયા થીમ પાર્કમાં લઈ જવાયા હતા. પાર્કમાં ટૉય કારમાં બેઠેલી વિદ્યાર્થિનીની સીટ બેલ્ટ બાંધવાને બહાને અહીં કામ કરતા એક યુવાને તેની શારીરિક છેડતી કરી હતી. પીડિતાએ આરોપીને પોતાની સાથે આવું વર્તન ન કરવાનું કહ્યું ત્યારે તેણે ‘સબ ચલતા હૈ’ કહ્યું હતું. આથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ સાંજે ઘરે આવીને વાત કરતાં પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનમાં તેની માતાએ ફરિયાદ નોંધાવી હતી.
પીડિત કિશોરીની માતા અને ફરિયાદીએ મિડ-ડેને કહ્યું હતું કે સ્કૂલના શિક્ષકો સાથે હોવા છતાં આવી ચોંકાવનારી ઘટના બની હતી. કિડઝાનિયા પાર્કમાં મારી દીકરીની જેમ બીજી પણ અનેક કિશોરીઓ સાથે આવું વર્તન થઈ ચૂક્યું હશે અને ભવિષ્યમાં ન થાય એ માટે મેં પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કલ્પના પવારે મિડ-ડેને કહ્યું હતું કે અમે ઘાટકોપરના આરસીટી મૉલમાં આવેલા કિડઝાનિયા પાર્કના કર્મચારી રણબીરસિંહ ઉદયસિંહ રાઠોડની વિનયભંગ કરવાના આરોપસર રવિવારે ધરપકડ કરી હતી અને આગળની તપાસ ચાલુ છે.