વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે અમદાવાદના થલતેજમાં ઓફિસ ખોલીને લોકોને 260 કરોડમાં નવડાવી દીધા છે. આ છેતરપિંડી મામલે આરોપી વિનય શાહ દ્વારા 11 પાનાની ચિઠ્ઠી લખાવવામાં આવી છે. જેમાં સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નીલને પણ પૈસા આપવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેટરમાં મુકેલા આ આરોપને લઇ સ્વપ્નીલ રાજપૂતે જણાવ્યું હતું કે, હું વિનય ભાઇ પાસે 50 લાખથી વધુ માગું છું અને અમે 10 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.
ચેક બાઉન્સ થવાને લઇ ચીટીંગની ફરિયાદ કરીશ
સ્વપ્નીલ રાજપૂતે આગળ જણાવ્યું હતું કે, દિવાળી સમયે પૈસા માટે મેં વિનંતી કરી હતી. આ દરમિયાન તેણે ગમે તેમ બોલવાનું ચાલુ કર્યું હતું. હું વિનય ભાઈ પાસે 50 લાખ રૂપિયાથી વધુ માગું છું. બીજા દિવસથી તેમનો ફોન બંધ છે અને અમે તેની સામે કાર્યવાહી કરતા રૂપિયા 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. આ સિવાય હું ચેક બાઉન્સ થવાને લઇ ચીટીંગની ફરિયાદ કરીશ. મારે તેમની સાથે સમાધાન માટે વાત થઈ હતી. અમે રાજકીય આગેવાન હોવાથી સંસ્થા ખોલીને બેઠા છીએ. જેથી તેના માટે 50 લાખ લેવાના હતા.
50 લાખ પોતાના અને 50 લાખ સંસ્થાના આપ્યા છે
સ્વપ્નીલે વધુમાં ઉમેર્યું કે, શેરબજારમાં રોકવા લગભગ જાન્યુઆરીથી જુલાઈ સુધી અલગ અલગ રૂપિયા લઈ જતો હતો અને અમારું પણ રોકાણ હતું. છેલ્લે ધનતેરસે વાત થઈ હતી અને હવે આક્ષેપ કરે છે. તે ભાગી ગયો છે અમે તો હાજર છીએ. 50 લાખ પોતાના અને 50 લાખ સંસ્થાના આપેલા છે. ગુજરાત રાજ્ય સેવા સમિતિ સંસ્થાના નામે રૂપિયા આપ્યા હતા.