ગુજરાતના ચૂંટણી પંચના સી.ઇ.ઓ મુરલી ક્રિષ્ન જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વીજ બિલ માફી કરવાની જાહેરાતનો ઇલેક્શન કમિશન દ્વારા અભ્યાસ કરાશે, વીડિયો ફૂટેજ જોયા બાદ યોગ્ય લાગશે તો પગલાં ભરાશે.
શું છે સરકારની જાહેરાત
રાજય સરકારે ઘર વપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણ ધરાવતા નાગરિકોની લ્હેણી નીકળતી રકમ માટે રાજય સરકારે રૂ. ૬૨૫ કરોડથી વધુ રકમની અભૂતપૂર્વ અને ઐતિહાસિક માફી યોજના જાહેર કરી છે. રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના અંદાજે સાડા છ લાખ વીજ ગ્રાહકોને’’ એક વખતની સંપૂર્ણ માફી યોજના’’ નો લાભ મળશે.
રાજ્યના ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના વીજ જોડાણોની ભરપાઇ કરવાની બાકી નીકળતી રકમ ભરપાઇ કરવામાં રાહત આપતી માફી યોજનાની જાહેરાત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધેલ છે.
ઘરવપરાશ, ધંધાકીય તેમજ ખેતીવાડી હેતુના કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો વાળા વીજ ગ્રાહકો તેમજ હાલના ચાલુ વીજ જોડાણોમાં એક યા બીજા કારણોસર પુરવણી બીલો આપવામાં આવેલા હોય તેવા તમામ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળી શકશે.
માત્ર રૂા. 500/- જેવી તદન નજીવી રકમ ભરપાઇ કરી, વીજ બીલની રકમ તેમજ તેના વ્યાજની રકમ ભરપાઇ કરવામાંથી મુકિત મેળવી, નવીન વીજળી જોડાણ મેળવી શકશે. રાજ્યના અંદાજે ૬.૨૨ લાખથી વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૂા. ૬૨૫ કરોડથી વધુ રકમની માફી રાજય સરકાર આપશે.