અમદાવાદ,તા.૨
રાજકોટને અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટસની ભેટ આપનાર રાજકોટના પનોતાપુત્ર વિજય રૂપાણીને રાજકોટવાસીઓએ પણ “અર્બન ફોરેસ્ટ”ના નિર્માણના સંકલ્પ અને તેને પરિપૂર્ણ કરવાના સક્રિય આયોજનથી તા. ર ઓગસ્ટે તેમના જન્મ દિનની ગિફ્ટ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના વરદહસ્તે વૃક્ષારોપણ દ્વારા આ નવા પ્રકલ્પનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષે વનમહોત્સવ દરમ્યાન ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર થશે. છોડમાં રણછોડ એ સમગ્ર ગુજરાતમાં સાકાર થઇ રહ્યું છે. ગ્રીન વન થકી રાજકોટ શહેર પણ પ્રદૂષણમુક્ત સ્વચ્છ હવામાનયુક્ત બનશે. રાજકોટમાં પ્રકૃતિની જાળવણીનું અદકેરૂં કાર્ય થઇ રહ્યુ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી ૧૮ થી ૨૨ જાતના અંદાજે ૨૨૯૯૫ની બહુવર્ષાયુ પ્લાન્ટ્સ તેમજ એક ‘આર્યુવૈદિક ઉદ્યાન’ બનાવવામાં આવી રહ્યો છે.