મુંબઈ: નવા વર્ષમાં કોરોનાની વેક્સિન ગમે ત્યારે ઉપલબ્ધ થવાની શકયતા પગલે મુંબઈ મહાનગરપાલિકાએ વેક્સિનેશન માટે પોતાના આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવાનું ચાલુ કરી દીધું છે. ત્રણ દિવસમાં ૨૦૦ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. કર્મચારીઓને ટ્રેનિંગ આપવાની સાથે જ પાલિકાએ વેક્સિનના વિતરણ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હોવાનું કહેવાય છે. એ સાથે જ વેક્સિનેશન માટે લોકોની માહિતી માટે પાલિકાએ કેન્દ્ર સરકારની ‘કોવિન-૨૦’ ઍપનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.દેશમાં ગોવા, રાજસ્થાન, દિલ્હી તથા કેરળમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ મુંબઈમાં પણ દિવાળી બાદ કોરોનાની બીજી લહેર આવવાની શકયતા હતી. જોકે તે શકયતા હવે ઘટી ગઈ છે. મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી કોરોના કેસ ૧૦૦૦ નીચે આવી રહ્યા છે અને એક સમયે મુંબઈમાં કોરોનાનું ‘હોટ સ્પોટ’ ગણાતા ધારાવીમાં પણ છેલ્લા પંદરેક દિવસથી સરેરાશ રોજના બેથી ત્રણ જ કેસ નોંધાઈ રહ્યા છે. મુંબઈમાં કોરોનાથી મુક્ત થવાનું પ્રમાણ પણ લગભગ ૯૪ ટકા પર આવી ગયું છે. કોરોના લગભગ નિયંત્રણમાં આવ્યો છે ત્યારે પાલિકાએ પણ આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું ચાલુ કરી દીધું છે. આ ટ્રેનિંગ કેન્દ્રસરકારના આરોગ્ય કર્મચારી અને વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેન (હુ)ના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી રહી હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા બે દિવસ ટીમ લીડર એટલે કે માસ્ટર્સ ટ્રેનર્સને વેક્સિનેશન માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને હવે આ માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા અન્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્રણ દિવસમાં ૨૦૦ ડૉકટરો અને પૅરામેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં અન્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું કામ ચાલુ રાખશું, જેમાં પાલિકાની ૧૬ સામાન્ય હૉસ્પિટલના ડૉકટર, નર્સ સહિતના અન્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. એ સિવાય પાલિકાના દવાખાના અને અન્ય ફેરીફીયર હૉસ્પિટલના કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. વેક્સિનેશન ઝડપી થાય અને યોગ્ય પ્રકારે થાય તે માટે પાંચ વ્યકિતની એમ ૫૦૦ લોકોની ટીમ તૈયાર કરવામાં આવી છે.પાલિકાએ વેક્સિન ઉપલબ્ધ થયા બાદ તેને જુદા જુદા વિસ્તારમાં આવેલા સેન્ટરમાં મોકલવાથી લઈને લોકોને વેક્સિન આપવા સંદર્ભની જુદી જુદી તૈયારીઓ પણ કરી લીધી છે, જે અંતર્ગત પાલિકા કેન્દ્ર સરકારની કોવિન ઍપનો ઉપયોગ કરવાની છે. ઍપની મદદથી દર્દીનું નામ, તેની ઉમર, આધાર કાર્ડ નંબર, દર્દી જે સેન્ટરમાં જશે ત્યાં તેનો આધાર કાર્ડ નંબર નાખવામાં આવશે. આધાર કાર્ડ નહીં હોય તો બીજા સરકાર માન્યતા પ્રાપ્ત ઓળખપત્રનો નંબર નાખીને તેને કઈ કંપનીની વેક્સિન આપી છે, તેની માહિતી મળશે. તેમ જ વેક્સિનનો બીજો ડોઝ લેવાની તારીખ કઈ છે તેને વોટ્સએપ દ્વારા તેને માહિતી મળશે. જે-તે વ્યક્તિએ ડોઝ લેવા કયા જવાનું છે તેની પણ માહિતી મળશે.
વેક્સિનેશન યોગ્ય પ્રકારે થાય તે માટે પાંચ વ્યકિતની એમ ૫૦૦ લોકોની ટીમ તૈયાર કરવામાં આવી
Date: