પશ્ચિમ રેલવે આ અઠવાડિયાથી શનિ અને રવિવારે પણ એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન દોડાવશે. પશ્ચિમ રેલવેની સબર્બન સર્વિસમાં ૨૦૧૭ની ૨૫ ડિસેમ્બરે એરકન્ડિશન્ડ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. એ વખતથી એરકન્ડિશન્ડ સર્વિસ સોમવારથી શુક્રવાર સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અઠવાડિયાના એ પાંચ દિવસોમાં રોજ એરકન્ડિશન્ડ ટ્રેનોની ૧૨ સર્વિસીસ દોડાવવામાં આવતી હતી. એવી જ રીતે વીકએન્ડના બે દિવસોમાં પણ દિવસની ૧૨ સર્વિસીસ દોડાવવામાં આવશે.
આગામી અઠવાડિયામાં પશ્ચિમ રેલવે વધારે સર્વિસીસ શરૂ કરે એવી સંભાવના છે. દરમ્યાન ભિવંડી લોકસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા સંસદસભ્ય કપિલ પાટીલે મધ્ય રેલવેની સબર્બન સર્વિસમાં કલ્યાણ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનો શરૂ કરવાની માગણી કરી હતી. નવી મંજૂર કરવામાં આવેલી મુરબાડ-કલ્યાણ રેલવે લાઇન નવ મહિનામાં બંધાઈ જવાની શક્યતા છે.