
Sharad Purnima 2024 : શરદ પૂર્ણિમાને હિન્દુ ધર્મમાં સૌથી શુભ તિથિ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એવું કહેવાય છે કે, આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને તેના કિરણોમાંથી અમૃત વરસાવે છે. આ સંદર્ભે શરદ પૂર્ણિમાના દિવસને વિશેષ માનવામાં આવે છે. આ દિવસે લોકો વ્રત રાખે છે, અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. આજે તમને જણાવીશું કે, શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ અને આ દિવસે વ્રતની સાથે કથાનું શું મહત્ત્વ રહેલું છે.
શરદ પૂર્ણિમાનું મહત્ત્વ
શરદ પૂર્ણિમાને વ્યક્તિની ઉંમર અને સ્વાસ્થ્ય પ્રમાણે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે ચંદ્રની નીચે ઉભા રહીને ખીરનું સેવન કરવામાં આવે તો તે વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે અને સ્વાસ્થ્ય સારુ રહે છે. માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાઓએ ખીલેલો હોય છે. અને મનુષ્યો પર તેની સકારાત્મક અસર પડે છે. તેથી આ દિવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
શરદ પૂર્ણિમા તિથિ
શરદ પૂર્ણિમાની તિથિ વિશે વાત કરીએ તો હિન્દુ કેલેન્ડર મુજબ આસો મહિનાની પૂર્ણિમાની તિથિ 16 ઓક્ટોબરની રાત્રે 08:40 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 17 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 04:55 વાગ્યે પૂરી થશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. આ દિવસે વ્રત રાખવાની સાથે કથાઓનું પણ પાઠ કરવામાં આવે છે. એટલે આ શરદ પૂર્ણિમાના દિવસે આ પાઠ કરવો લાભદાયક માનવામાં આવે છે.
શરદ પૂર્ણિમાની કથા
કથા પ્રમાણે ઘણા સમય પહેલા એક નગરમાં એક શાહુકાર રહેતો હતો. તેમને બે દીકરીઓ હતી. બંને દીકરીઓ વિધિપૂર્વક પૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખતી હતી. પરંતુ શાહુકારની નાની દીકરી ઉપવાસ અધૂરી છોડી દેતી હતી. જ્યારે મોટી દિકરી હંમેશા પૂરી લગન અને શ્રદ્ધાથી આ વ્રત રાખતી હતી. જ્યારે બંને મોટા થયા ત્યારે પિતાએ તેમના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી પણ મોટી દીકરી પૂરી શ્રદ્ધાથી ઉપવાસ કરતી. આ વ્રતની અસર એવી હતી કે તેને તેનો લાભ મળ્યો. મોટી દિકરીને ખૂબ જ સુંદર અને સ્વસ્થ બાળકનો આશીર્વાદ મળ્યો. નાની દીકરીને સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તે ખૂબ જ પરેશાન થઈ ગઈ અને શાહુકારને પણ તેની ચિંતા સતાવવા લાગી હતી. એ પછી શાહુકારે બ્રાહ્મણોને બોલાવીને તેમની પુત્રીની સમસ્યા વિશે જણાવ્યું.
આખરે કેમ થઈ રહી હતી મુશ્કેલી
પંડિતોએ આ મામલે ગંભીરતા જાણીને શાહુકારને કહ્યું કે, તમારી નાની દીકરી પૂર્ણિમા વ્રતના નિયમોનું દિલથી પાલન કરતી નથી, તેથી જ તેની સાથે આવું થઈ રહ્યું છે. બ્રાહ્મણોએ તેમને આ વ્રતની પદ્ધતિ સમજાવી ત્યાર બાદ તેમણે સંપૂર્ણ વિધિવિધાન પૂર્વક ફરીથી ઉપવાસ કર્યો. આ વખતે નાની દીકરીની આસ્થા રંગ લાવી અને તેને ત્યાં એક બાળકનો જન્મ થયો. પરંતુ બાળક જન્મ પછી થોડા દિવસો જ જીવી શક્યું અને મૃત્યુ પામ્યું. આ જોઈને નાની દીકરી વધુ વ્યથિત અને હતાશ થઈ ગઈ.
એ પછી નાની દિકરીએ તેના મૃત બાળકને એક આસન પર સુવડાવ્યો અને તેના પર કપડું ઢાંકી દીધું. અને પછી તેની નાની બહેનને બોલાવી અને જ્યા મૃત બાળક પર કપડું ઢાક્યું હતું તેના પર બેસવા માટે કહ્યું, મોટી બહેન જેવી આસન પર બેસવા ગઈ કે તરત જ કપડાને અડતા જ રહસ્યમય રીતે બાળકના રડવાનો અવાજ સંભળાયો કે તમે તમારા જ બાળકને મારવા માટે મને દોષી ઠેરવતા હતા. ત્યારે નાની બહેને કહ્યું કે એ તો મરી ચૂક્યો હતો, પણ તમારી કૃપા અને સ્પર્શથી એનો જીવ પાછો આવ્યો. આ જ દિવસથી શરદ પૂર્ણિમા વ્રતની શક્તિનું મહત્વ સર્વત્ર ફેલાઈ ગયું છે.