મુંબઈ: ટૂંક સમયમાં બધા માટે લોકલ ટ્રેન ચાલુ કરવાની રાજ્ય સરકારે સોમવારે જાહેરાત કર્યા પછી રેલવે પ્રશાસન વધુ ૨૦૪ લોકલ ટ્રેન શુક્રવારથી દોડાવવાની ખાતરી આપી છે, પરંતુ હજુ સુધી સર્વ સામાન્ય પ્રવાસીને લોકલ ટ્રેનમાં પ્રવાસની પરવાનગી નહીં મળતા લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે એની મુંબઈગરા રાહ જોઈ રહ્યા છે.કોરોના નિયંત્રણમાં આવ્યા પછી તબક્કાવાર અમુક કેટેગરીના લોકોને ટ્રેનમાં ટ્રાવેલ કરવાની મંજૂરી આપી છે. તમામ લોકોને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાની મંજૂરી અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાની સરકારે જાહેરાત કર્યાના બીજા દિવસે રેલવે પ્રશાસને શરતી (સરકાર અને રેલવે મંત્રાલય માન્ય અત્યંત આવશ્યક સેવાના કર્મચારી માટે) વધુ ૨૦૪ ટ્રેન શુક્રવારથી ચાલુ કરવાની જાહેરાત કરી હતી, પરિણામે મુંબઈ સબર્બન (પશ્ર્ચિમ અને મધ્ય) રેલવેમાં કુલ મળીને ૯૫ ટકા ટ્રેન ચાલુ થશે. શુક્રવારથી સબર્બન રેલવેમાં કુલ ૨,૯૮૫ જેટલી ટ્રેન ચાલુ થશે, જ્યારે લોકડાઉન પૂર્વે બંને રેલવેમાં કુલ ૩,૧૪૧ ટ્રેન દોડાવાતી હતી. વધુ ટ્રેન ચાલુ થશે એ પણ અત્યંત આવશ્યક સેવાના કર્મચારી માટે જ હશે, તેથી સામાન્ય પ્રવાસી ટ્રાવેલ કરી શકશે નહીં, એમ પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.જો ૯૫ ટકા જેટલી ટ્રેન ચાલુ થતી હોય તો પછી તમામ લોકોને ટ્રેનમાં પ્રવાસ કરવાની શા માટે મંજૂરી આપતા નથી? વાસ્તવમાં લોકહિત માટે પણ આ ‘રાજકીય નાટક’નો અંત લાવવાનું જરૂરી છે. કારણ કે રાજ્ય સરકાર અને રેલવે પ્રશાસનના ખટરાગમાં સામાન્ય લોકોને હાલાકી પડી રહી છે, એમ રેલવે યાત્રી પ્રવાસી સંગઠનના પ્રમુખ સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું. તમામ લોકો માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ અંગેનો નિર્ણય લેવાની જાહેરાત કર્યા પછી રેલવેએ વધુ ટ્રેન દોડાવવાનું જણાવ્યું હતું, તેમ છતાં બધા લોકોને ટ્રેનમાં ટ્રાવેલ કરવાની મંજૂરી મળી નથી. આ મુદ્દે સ્પષ્ટતા થઈ નથી એટલે સરકાર-રેલવે ફૂટબોલ રમી રહી છે. પશ્ર્ચિમ રેલવે બધી લોકલ ટ્રેન ચાલુ કરી રહી હોવાનો વિભાગીય રિપોર્ટ બહાર આવવાથી લોકોમાં ક્ધફ્યુઝન ઊભું થયું હતું, પરંતુ હવે આ મુદ્દે રાજકારણ રમવાનું બંધ કરીને પણ લોકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાનું જરૂરી છે, એમ ઝોનલ રેલવે યૂઝર્સ ક્ધસલ્ટટેટિવ કમિટીના મેમ્બર કૈલાશ વર્માએ જણાવ્યું હતું.