બોલીવૂડ સ્ટાર અજય દેવગણનો સિતારો પણ બોલીવૂડમાં અત્યારે ટમટમી રહ્યો છે. ઘણા વર્ષથી તે ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેની કારકિર્દી સતત સફળતાથી આગળ વધતી રહી છે. અત્યારે તેના હાથમાં અનેક મોટી ફિલ્મો છે, પણ અજય ક્યારેય કારકિર્દી માટે કે ફિલ્મો માટે પ્લાનિંગ નથી કરતો.
તે કહે છે, ‘હું ક્યારેય પાછળ ફરીને ભૂતકાળમાં નથી જોતો, મને વર્તમાનમાં રહેવું પસંદ છે અને ભવિષ્યનું નથી વિચારતો. હું સ્ટારડમ માટે પણ પરવાહ નથી કરતો અને નથી વિચારતો અને આ જ કારણે મને વાસ્તવિક્તામાં રહેવામાં મદદ મળે છે.’ પોતાની સફળતા વિશે તે કહે છે, “સૌભાગ્યવશ મારે ક્યારેય સંઘર્ષનો સામનો નથી કરવો પડ્યો. મારી બાબતમાં હંમેશાં સારી વસ્તુ સારી રીતે થતી ગઈ. હું અત્યાર સુધીની મારી સફરમાં જે વસ્તુ શીખ્યો, તે છે ખૂબ મહેનત કરવી. હું મહેનત કરીને આગળ વધવામાં માનું છું, મારી સરખામણી હું કોઈની સાથે કરવા નથી માગતો, હું બહાર જઈને મારી તાકાતનું પ્રદર્શન કરવા નથી માગતો. મને અને કાજોલ બંનેને કશાની પરવાહ નથી. અમે જે જગ્યાએ છીએ તેનાથી ખુશ છીએ.
અજયના બાળકો ન્યાસા અને યુગ સતત સ્પોટલાઈટમાં આવતા રહે છે. તેના માટે અજય બહુ પરેશાન થઈ જાય છે. જોકે, તે માને છે કે તેના બાળકો બહુ સમજદાર છે અને તેમની પાસેથી ઘણી સારી સકારાત્મક વસ્તુ શીખે છે અને તેમનામાં કેટલીક નકારાત્મકતા પણ હશે એમ તે કહે છે.
ફિલ્મ જગતમાં ૨૮ વર્ષમાં અજયે ૧૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યા બાદ તે એક સફળ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા બની ચૂક્યો છે. તે ફિલ્મમાં ગીત પણ ગાઈ ચૂક્યો છે. આ બધી વસ્તુ તેના સ્ટાર સ્ટેટસને વધુ દમદાર બનાવે છે.
ગંભીર, એક્શન, રોમેન્ટિક અને કોમેડી ફિલ્મો કરી ચૂકેલા અજયને બે રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યા છે. તે ફિલ્મોની પસંદ અન્ય સ્ટાર્સ કરતા અલગ કરે છે. વિજયપથ, ઓમકારા, ગંગાજલ, ટોટલ ધમાલ, હમ દિલ દે ચૂકે સનમ, ગોલમાલ, સિંઘમ, દેદે પ્યાર દે જેવી કેટલીયે સુપરહિટ ફિલ્મો તેણે આપી છે.
હવે પછી તેની આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ છે, ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’. જેમાં કાજોલ પણ છે. આ ઉપરાંત ‘ફૂટબોલ’ ફિલ્મમાં તે મહાન ફૂટબોલર સૈયદ અબ્દુલ રહીમની વાર્તા પણ પરદા પર જીવંત કરશે. અત્યારે તે ‘ભુજ: ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયના’ શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મની વાર્તા ૧૯૭૧માં થયેલા ભારત-પાક યુદ્ધની વાર્તા પર આધારિત છે, તેમાં અજય સૈન્યના જવાન વિજય કર્ણિકના રોલમાં જોવા મળશે.