ઈશરત જહા એન્કાઉન્ટર કેસમાંથી પોતાને આરોપ મુક્ત કરવા ડીજી વણઝારાએ સીબીઆઈ કોર્ટમાં અરજી કરી છે. વણઝારાના વકીલે આ અંગે કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરતા સીબીઆઈની તપાસ પર જ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, એક સમયે ખાસ્સા ચર્ચાસ્પદ બનેલા ‘સફેદ દાઢી’, ‘કાળી દાઢી’ જેવા પ્રયોજનો અંગે પણ તેમણે કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી.નિવૃત્ત IPS અધિકારી અને 2004માં થયેલા ઈશરત જહા એન્કાઉન્ટર કેસના મુખ્ય આરોપીઓમાંના એક ડીજી વણઝારાએ મંગળવારે સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટને જણાવ્યું હતું કે, કાળી દાઢી અને સફેદ દાઢીનો ઉલ્લેખ તેમણે તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ માટે નહોતો કર્યો.ઈશરત જહા એન્કાઉન્ટર કેસમાંથી પોતાને મુક્ત કરવા વણઝારાએ કોર્ટ સમક્ષ કરેલી અરજી અંગે તેમના વકીલ વીડી ગજ્જરે જણાવ્યું હતું કે, ગુજરાતના આઈપીએસ અધિકારીઓ એટલા પણ બેદરકાર નહોતા કે તેઓ સત્તાધીશો સામે કાળી દાઢી અને સફેદ દાઢી જેવા શબ્દોનો પ્રયોગ કરે. આ પ્રકારના શબ્દોનો પ્રયોગ સર્વિસ મેન્યુઅલની પણ વિરુદ્ધ છે.કેસના એક સાક્ષી અને તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર ડીએચ ગોસ્વામીએ સીબીઆઈએને જણાવ્યું હતું કે, તેમણે વણઝારાને એક અધિકારી કેએમ વાઘેલાને એમ કહેતા સાંભળ્યા હતા કે, સફેદ દાઢી અને કાળી દાઢી તરફથી ઈશરત અને તેના ત્રણ સાથીઓનું એન્કાઉન્ટર કરવાનું ગ્રીન સિગ્નલ મળી ગયું છે. સાક્ષીએ એમ પણ કહ્યું હતું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અમિત શાહનો ઉલ્લેખ કાળી દાઢી અને નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ સફેદ દાઢી તરીકે કરાતો હતો.જોકે, વણઝારાના વકીલે દાવો કર્યો છે કે, સાક્ષી પાસેથી આ મતલબનું નિવેદન પૂર્વ તપાસ અધિકારી સતિશ વર્મા અને સીબીઆઈ દ્વારા જબરજસ્તી લેવામાં આવ્યું છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાનો હતો.વણઝારાના વકીલે CBI દ્વારા 2013માં સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરાયેલી એફિડેવિટનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેમાં જણાવાયું હતું કે, અમદાવાદના તત્કાલિન પોલીસ કમિશનર કેઆર કૌશિકને ઈશરત અને તેના ત્રણ સાથી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવી પહોંચ્યા હોવાનો ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યો હતોવણઝારા તરફથી એ સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો કે, અમદાવાદના તત્કાલિન પોલીસ કમિશનર કેઆર કૌશિકનું નામ ચાર્જશીટમાં કેમ નથી? કેમ તેમની નીચે કામ કરનારા અધિકારીઓને આરોપી બનાવાયા? આ અધિકારીઓએ તો માત્ર તેમના હુકમનું પાલન જ કર્યું હતું. કોર્ટમાં એવી દલીલ પણ કરાઈ હતી કે, દરેક વખતે એન્કાઉન્ટર થતાં ત્યારે જ કેમ કેઆર કૌશિક રજા પર ઉતરી જતા?કોર્ટમાં એવી દલીલ પણ કરાઈ હતી કે, સીબીઆઈ દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશીટમાં વણઝારા સામે કોઈ પુરાવા નથી, અને ચાર્જશીટમાં અનેક વિસંગતતાઓ પણ છે. સીબીઆઈ દ્વારા કઈ રીતે અમુક આરોપીઓના નિવેદન નોંધી તેમને સાક્ષી બનાવી દેવાયા તે મુદ્દો પણ કોર્ટમાં ઉઠાવાયો હતો. વણઝારાના વકીલે જણાવ્યું હતું કે, PI ભરત પટેલની ધરપકડ કરાઈ હતી, તેમના રિમાન્ડ પણ લેવાયા હતા અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. જોકે, ચાર્જશીટમાં રહસ્યમય રીતે તેમને સાક્ષી બનાવી દેવાયા.