‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. મુખ્યમંત્રીશ્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-૧માં, ૨૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે. મુખ્યમંત્રીશ્રી બીજા દિવસે તા. ૨૭ જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. ૨૮ જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે. રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ-૧ ના કુલ મળીને ૩૬૭ ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.
તદ અનુસાર વિધાનસભા અધ્યક્ષશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.