લોકસભા ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધનની જાહેરાત
બોફોર્સ કાંડમાં કોંગ્રેસ સરકાર ગઈ, હવે રાફેલમાં ભાજપ પણ જશે: માયાવતી
ભાજપને કોઈપણ ભોગે કેન્દ્રમાં નહીં આવવા દઈએ
બસપાના માયાવતી અને સપાના અખિલેશ યાદવની લખનઉં તાજ હોટેલમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
એજન્સી, લખનૌ: ઉત્તર પ્રદેશમાં આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પોતાના ગઠબંધનની જાહેરાત કરી છે. 26 વર્ષના તડાં બાદ આ બન્ને પક્ષો એકથઈને આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. લખનઉંમાં તાજ હોટેલમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આ પ્રસંગે જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની ઊંઘ હરામ થઈ જશે. આ ગઠબંધનમાં કોંગ્રેસને પણ કિનારે કરી દેવાઈ છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનને લઇને એલાન થયું ગયું છે. લખનઉની હોટલ તાજમાં પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું છે. બસપાના અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આજે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરી લોકસભા ચૂંટણી 2019 માટે ગઠબંધન પર જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80 બેઠક છે. જેમાંથી SP-BSP વચ્ચે બેઠકોની વહેંચણી મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સપા 38 અને બસપા 38 સીટ પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસ માટે બે બેઠક છોડી છે. દેશના હિત માટે ફરી ગઠબંધન કરવાની વિચારણા કરી છે એમ માયાવતીએ જણાવ્યું.
માયાવતીએ ક્હ્યું કે પહેલા આ ગઠબંધન લાંબો સમય સુધી નહોતું ચાલી શક્યું. દેશહિતને ધ્યાનમાં રાખી યુપીમાં એકજૂટતા રાખવાની જરૂર છે.ભાજપ જાતિવાદ પક્ષ છે. માયાવતીએ અમિત શાહ અને વડાપ્રધા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. ભાજપ એન્ડ કંપનીને કોઇપણ સંજોગોમાં સરકાર બનાવા નહીં દઇએ.
લોકસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધનની જાહેરાત કરી તે પહેલા આખા લખનૌના તમામ મુખ્ય માર્ગો અને દીવાલો પર અખિલેશ યાદવ-માયાવતી, તેમના પક્ષોના સ્લોગન અને ખાસ તો ભાજપ વિરોધી સૂત્રોવાળા પોસ્ટરો લાગી ગયા છે.
ભાજપના વિજયરથને રોકવા માટે ફરી એક વખત બે મોટા રાજકીય પક્ષ ગઠબંધન કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાની લખનૌની ફાઈવસ્ટાર તાજ હોટલમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ ‘યુપી કે લડકે’ અને ‘યુપી કો યહ સાથ પસંદ હૈ’ના નારા સાથે ગઠબંધન કર્યું હતું. હવે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે એ જ હોટેલમાં અખિલેશ-માયાવતી ગઠબંધન કરવા જઈ રહ્યા છે. લગભગ અઢી દાયકા પહેલાં સપાએ બસપા સાથે ગઠબંધન કરવાની ફોર્મ્યુલા અપનાવી હતી અને તે સફળ પણ રહી હતી.
ઉલ્લેખનીય છે કે ૯૦ના દાયકામાં રામ લહેર પર બ્રેક મારવાનું કામ પણ સપા-બસપા ગઠભંદને કર્યું હતું ત્યારે બસપાના સંસ્થાપક કાંશીરામ અને સપાના સંસ્થાપક મુલાયમસિંહ યાદવે સાથે મળીને ૧૯૯૩માં વિધાનસભા ચૂંટણી લડી હતી. બાબરી મસ્જિદનો વિવાદાસ્પદ ઢાંચો ધ્વંસ કરાયા બાદ ભાજપનું સત્તામાં પુનરાગમનનું સપનું પણ તૂટી ગયું હતું. હવે રપ વર્ષ બાદ મુલાયમસિંહના પુત્ર અખિલેશ યાદવ અને કાંશીરામના ઉત્તરાધિકારી માયાવતી ફરી એક વખત ભાજપની વિજયકૂચ રોકવા હાથ મિલાવી રહ્યા છે.
દરમિયાન સપા અને બસપાએ ગઠબંધનમાં સ્થાન ન આપવાથી બેબાકળી બનેલી કોંગ્રેસે હવે પલટવાર શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બસપા-સપા લોકસભા ચૂંટણીમાં ૩૭-૩૭ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. યુપીમાં લોકસભાની ૮૦ બેઠકો છે. બાકીની છ બેઠક નાના સાથી દળો માટે છોડવામાં આવી છે. કોંગ્રેસને ર૦૧૯ની લોકસભા ચૂંટણી સપા-બસપા સાથે મહાગઠબંધન કરીને લડવાની આશા હતી, પરંતુ આ આશા ઠગારી નીવડી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે અમને આ રીતે સાઈડલાઈન કરવા એ સપા-બસપાની ખતરનાક ભૂલ સાબિત થશે.
કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે કોઈ પણ (સપા-બસપા) કોંગ્રેસની વ્યાપક ક્ષમતા, વિરાસત, ઈતિહાસ અને ઓળખની ઉપેક્ષા ન કરી શકે. જો કોઈ આવી ભૂલ કરશે તો તે ખૂબ મોટી, ગંભીર રાજનૈતિક ભૂલ અને ખતરો સાબિત થશે. અમારી ઉપેક્ષા સપા-બસપા માટે ખતરનાક ભૂલ સાબિત થશે તેમાં કોઈ શંકા નથી.