વિજય રૂપાણી સુરત જિલ્લાના કામરેજ ખાતે ઉમાંમંગલ હોલમાં આયોજિત નગરપાલિકા પ્રશિક્ષણ શિબિર-2018માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની મુલાકાત
દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગીરમાં સિંહોના નિપજેલા મૃત્યુ મામલે રાજ્ય સરકાર અત્યંત ગંભીર છે. ચાર સિંહમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ(સી.ડી.વી.) જોવા મળ્યા હતા. ગીરના સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કૃતનિશ્ચયી હોવાનું રૂપાણીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.
કેન્દ્રની ટીમ તથા સેન્ટ્રલ ઝૂના નિષ્ણાંતોની મદદ લેવાઈ
તેમણે વધુમાં કહ્યું કે, કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ સિંહોના ફેફસાને નુકસાન પહોંચાડી તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે. સિંહોમાં વ્યાપેલા વાઈરસ સામે તેમને સંરક્ષિત કરવા અમેરિકાથી ખાસ વેક્સીન મંગાવાઈ છે. અન્ય સિંહોને ઇન્ફેકશન ન થાય તે માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં કેન્દ્રની ટીમ તથા સેન્ટ્રલ ઝૂના નિષ્ણાંતોની મદદ લેવાઈ છે.
અછત અને ખેડૂતોની પરિસ્થિતિ મુદ્દે રાજ્ય સરકાર ચિંતિત
મુખ્યમંત્રીએ રાજ્યમાં ઓછો વરસાદ પડવાને કારણે અછતની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવી ઉમેર્યું કે, અછત અને ખેડૂતોની પરિસ્થિતિ મુદ્દે રાજ્ય સરકાર ચિંતિત છે. રાજ્ય સરકારે અછતગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા
કરી 150 મિમિથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા રાજ્યના 17 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જેમાં કચ્છના 10 અને બનાસકાંઠાના ચાર તાલુકાનો પણ સમાવેશ થાય છે.