નવી દિલ્હી: કેન્દ્રના શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું હતું કે સીબીએસઇ બૉર્ડની ૧૦મા અને ૧૨મા ધોરણની વાર્ષિક પરિક્ષા ચોથી મેથી ૧૦મી જૂન સુધી યોજાશે. પ્રેક્ટિકલ પરિક્ષાઓ ૧લી માર્ચથી લેવામાં આવશે અને પરિક્ષાના પરિણામો ૧૫મી જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે પ્રેક્ટિકલ પરિક્ષાઓ જાન્યુઆરીમાં લેવાતી હોય છે અને લેખિત પરિક્ષાઓ ફેબ્રુઆરીમાં શરૂ થઇને માર્ચમાં પૂરી થઇ જતી હોય છે, પણ આ વર્ષે કોરોનાના મહારોગને લીધે વાર્ષિક સત્ર લંબાયું હતું. શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ૧૦મા અને ૧૨મા ધોરણની વાર્ષિક પરિક્ષા ચોથી મેથી ૧૦મી જૂન સુધી યોજાશે. શાળાઓને પ્રેક્ટિકલ પરિક્ષાઓ ૧લી માર્ચથી લેવાની પરવાનગી આપવામાં આવી છે. બંને વર્ગ માટેનું પરિક્ષાપત્ર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરિણામો ૧૫મી જુલાઇ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. અમે ૨૫ દેશના સીબીએસઇના વિદ્યાર્થીઓ માટેનો ઉકેલ પણ શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એ માટે જાહેરાત કરવામાં આવશે.વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના સૂચન પ્રમાણે અમે તારીખ નક્કી કરી છે. વિદ્યાર્થીઓ મૂંઝવણ ન અનુભવે એ માટે શિક્ષકોએ થાક્યા વગર એમને ઑનલાઇન શિક્ષણ આપીને તૈયાર કર્યા છે. કેટલીક શાળાઓ દ્વારા ઑનલાઇન પ્રિ-ફાઇનલ ટેસ્ટ લઇને વિદ્યાર્થીઓને તૈયાર કરવાની રીત અપનાવાઇ હોવાની વાત મારા ધ્યાનમાં આવી હોવાની વાત શિક્ષણ પ્રધાને કહી હતી.સીબીએસઇએ ડિસેમ્બરની શરૂઆતમાં જણાવ્યું હતું કે બૉર્ડની પરિક્ષાઓ ૨૦૨૧માં ઑનલાઇન નહીં, પણ લેખિતમાં લેવાશે.કોરોનાના રોગચાળાને કારણે આખા દેશમાં માર્ચ મહિનાથી શાળાઓ બંધ કરવામાં આવી હતી. માર્ચમાં રદ કરાયેલી પરિક્ષાઓ માટે પાછળથી પર્યાયી અસેસમેન્ટના ધોરણે માર્ક આપીને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા.કેટલાક રાજ્યોએ ઑક્ટોબરથી આંશિક રીતે શાળાઓ શરૂ કરી હતી, પણ ઘણાં રાજ્યોએ કોરોનાનો ચેપ ફેલાતો જોઇને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. |