
રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક બિલ્ડીંગના સાતમાં માળેથી યુવકે પડતું મૂકીને જીવન ટુંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષામાં નાપાસ થતાં શિવમ ત્રિપાઠી નામના યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના જૌનપુરના હરદ્વારી ગામનો શિવમ દ્વિજેન્દ્ર ત્રિપાઠી સુરતમાં સચિન વિસ્તારમાં રહેતો હતો. શિવમ યુપીએસસીની પરીક્ષામાં એક માર્કથી નાપાસ થયો હતો. યુપીએસસીની પરીક્ષામાં નાપાસ થતા તે તણાવમાં હતો. ગુરૂવારે (21મી નવેમ્બર) ઘરેથી બહાર જાવ છું તેમ કહીને નીકળી ગયો હતો અને નિલકંઠ હાઈટ્સ સોસાયટીની બિલ્ડીંગના સાતમા માળેથી કુદીને આપઘાત કર્યો હતો.યુવકના મૃત્યુથી પરિવાર પર દુ:ખનો આભ તુટી પડયો હતો. પરિવારજનોનું કહેવું છે, ‘મૃતક શિવમને આઈપીએસ બનવાની ઈચ્છા હતી. ખૂબ તૈયારી કરતો હતો. યુપીએસસીમાં ફેલ થવાથી તે ઘણાં સમયથી માનસિક તણાવમાં હતો. તેની દવાઓ પણ કરાવવામાં આવતી હતી.’ હાલ યુવકના આપઘાતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.