સ્વચ્છતા માટે દેશમાં પહેલો નંબર ધરાવતી સુરત મહાનગરપાલિકા આ ક્રમ જાળવી રાખવા માટે લોકોને સ્વચ્છતા માટે અપીલ કરે છે. પરંતુ સ્વચ્છતાના મુદ્દે દીવા તળે અંધારું હોય તેવો પાલિકાનો ઘાટ થઈ રહ્યો છે. સુરતના મેયરે આજે (14 ઓગસ્ટ) વરાછા એ ઝોનની સરપ્રાઈઝ વિઝીટ લીધી અને તેમને વરાછા ઝોનની કેટલીક ઓફિસમાં સ્વચ્છતા ન હોવાનું જણાયું હતું. તેઓએ સ્વચ્છતા જાળવવા માટે પાલિકાના અધિકારીઓને તાકીદ કરી હતી. જોકે, લોકોને ગંદકી માટે દંડ કરનારી પાલિકાની ઓફિસમાં જ ગંદકી તો કોની સામે પગલાં ભરાશે ? તે પ્રશ્ન ઉભો થયો છે. સુરતના મેયર દક્ષેશ માવાણી આજે સુરત પાલિકાના વરાછા એ ઝોનની સરપ્રાઈઝ વિઝીટ માટે ગયા હતા. તેમાં કેટલીક ઓફિસમાં મેયરને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે તેઓએ અધિકારીને ભેગા કરીને પાલિકાની કચેરીમાં સ્વચ્છતા જાળવવા માટે તાકીદ કરી હતી.જોકે, મેયરની આ સરપ્રાઈઝ વિઝીટના કારણે લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી પાલિકાની કચેરીમાં જ સ્વચ્છતા નથી તે પ્રશ્ન ઉભો થયો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઈન્દોર પહેલા નંબરે દેશમાં આવ્યા છે. ત્યારબાદ પાલિકા તંત્રએ આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે.