બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે તેમ ગુજરાતી સિનેમામાં પ્રગતિ કરી રહેલ પ્રોડક્શન હાઉસ “સોલ સૂત્ર” પોતાની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યું છે. પ્રખ્યાત ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને અભિનેત્રી માનસી પારેખના હોમ પ્રોડક્શન – સોલ સૂત્ર અને ધવલ ઠક્કરે સાથે મળીને આવનારી ગુજરાતી ફિલ્મ “ઝમકુડી” ને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ ઝમકુડીમાં ગુજરાતી ઈન્ફ્લુઅન્સર વિરાજ ઘેલાણી માનસી પારેખ ગોહિલની સાથે જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના ટેલેન્ટેડ એક્ટર્સ ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગોરડિયા, સંજય ગલસર, નિસર્ગ ત્રિવેદી, ભાવિની જાની, કૃણાલ પંડિત સહિતના કલાકારો છે. આ ફિલ્મની વાર્તા હિત ભટ્ટે લખી છે. જ્યારે ઉમંગ વ્યાસે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 31મી મે, 2024ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે.
ફિલ્મનું ટીઝર થોડા દિવસ અગાઉ જ રિલીઝ થયું છે અને હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે કે જેને દર્શકો પસંદ કરી રહ્યા છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે “ઝમકુડી” એ હોરર કોમેડી ફિલ્મ છે.આ ફિલ્મમાં એક ગામની વાર્તા છે, જ્યાં ચુડેલનો પ્રકોપ છે. અને ગામના લોકો આ ચુડેલથી ડરે છે. પરંતુ શું ખરેખર ગામમાં ચુડેલ છે, કે પછી કોઈ બીજી વાત છે, અને ચુ઼ડેલ છે તો કોણ છે..ઝમકુડીની શોધમાં નીકળેલી ટોળકીમાંથી કોને મળશે ઝમકુડી…?? આ બધું તો ફિલ્મ થકી જોવું જ રહ્યું. દર્શકો ફિલ્મ રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
વિરાજ ઘેલાણી આ ફિલ્મ થકી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. વિરાજ ઘેલાણી આ પહેલા ગુજરાતી અને હિન્દી વેબસિરીઝમાં પણ દેખાઈ ચૂક્યા છે. પરંતુ માતૃભાષામાં તેમની આ પહેલી ફિલ્મ છે.
ઉલ્લેખનીય છે કે “સોલ સૂત્ર સ્ટુડિયોઝ” એ આ અગાઉ સફળ ફિલ્મો કચ્છ એક્સપ્રેસ અને ગોળકેરી આપી છે અને હવે “ઝમકુડી”ની રિલીઝ સાથે તેઓ દર્શકોને કાંઇક નવો વિષય પીરસી રહ્યાં છે.
તો થઇ જાઓ તૈયાર, કેમ કે ગુજરાતી ફિલ્મ “ઝમકુડી” આવી રહી છે હસતા હસાવતા અચાનક ડરાવવા માટે સાથે ખુબજ ધૂમ મચાવવા માટે 31મી મેના રોજ.