– વર્ષ 2005-06 દરમિયાન થયેલા આ એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિની કથિત હત્યા કરવામાં આવી હતી
નવી દિલ્હી: બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં આજે સેન્ટ્રલ બ્યૂરો ચીફ (CBI)ની એક સ્પેશિયલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે 13 વર્ષ પછી આ કેસના 22 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. આમ હવે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં તમામ આરોપી દોષમુક્ત સાબીત થયા છે. ગુજરાત પોલીસ દ્વારા 2005માં અતિ સંવેદનશીલ સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોશ મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે. નિર્દોષ મુક્ત થયેલા આરોપીઓ પૈકી મોટાભાગના પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
સીબીઆઈ વિશેષ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે સરકારી મશિનરી અને ફરિયાદી પક્ષ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, 210 સાક્ષીઓને હાજર કરાયા હતા પરંતુ તેમ છતા સંતોષકારક પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત પ્રત્યક્ષદર્શી પણ હોસ્ટાઈલ પુરવાર થયા છે. સાક્ષી ફરી જાય તેમાં ફરિયાદીનો કોઈ વાંક નથી રહેતો તેમ કોર્ટે જણાવ્યું હતું.
વિશેષ કોર્ટે વધુ જણાવ્યું કે તુલસીરામ પ્રજાપિતનું મર્ડર કાવતરાના ભાગરૂપે થયું હતું તે બાબત સત્ય નથી.સોહરાબુદ્દીન કેસમાં પુરતા પુરાવા નથી મળ્યા તેમજ સાંયોગિક પુરાવા પણ પુરતા નથી જેને પગલે પુરાવાના અભાવે 22 ગુનેગારોને દોષમુક્ત કરવાનો ચુકાદો સ્પેશિયલ સીબીઆઈ જજે આપ્યો હતો.
કોર્ટે દોષમુક્ત જાહેર કરેલા તમામ 22 આરોપીઓ પૈકી 21 આરોપી પોલીસકર્મી છે. આરોપમુક્ત થયેલા લોકોમાં ગુજરાત અને રાજસ્થાનના જૂનિયર કક્ષાના પોલીસકર્મીઓ છે. સ્પેશ્યલ સીબીઆઈ જજ એસ જે શર્માએ જણાવ્યું હતું કે પ્રોશિક્યુશન દ્વારા નક્કર પુરાવા રજૂ નહીં કરી શકાતા આ ઘટનાને કાવતરું ગણી શકાય નહીં. રજૂ કરાયેલા તમામ પુરાવા પુરતા નથી અને તેને પગલે તમામ આરોપીઓને દોષમાંથી મુક્ત કરવાનો કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો.
સીબીઆઇએ આ કેસમાં ૩૮ લોકો સામે ચાર્જશીટ કરી હતી. જેમાં પૂરાવાના અભાવે કોર્ટે ૧૬ આરોપીઓને છોડી મુક્યા હતા જેમાં અમિત શાહ, ગુજરાત પોલીસના પૂર્વ વડા પી સી પાંડેય અને ગુજરાત પોલીસના પૂર્વ સીનિયર અધિકારી ડી જી વણઝારાનો પણ સમાવેશ થતો હતો.
એક અન્ય સાક્ષી એક પેટ્રોલ પંપના માલિક મહેન્દ્ર ઝાલાએ પણ ફરી તેની ઉલટ-તપાસની માગણી કરી હતી. તેનો આક્ષેપ છે કે પ્રોસીક્યુશને મેજિસ્ટ્રેટ સમક્ષ રેકોર્ડ કરેલા તેના નિવેદનને કોર્ટમાં રજૂ જ કર્યું ન હતું.
ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2005ના અમદાવાદમાં કથિત ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખનું બોગસ એન્કાઉન્ટરમાં મર્ડર કરાયું હતું અને તેના ત્રણ દિવસ બાદ તેની પત્ની કૌસર બીની પણ હત્યા કરી તેની લાશ સગેવગે કરી દેવામાં આવી હતી. દરમિયાન આ ઘટનાના એક વર્ષ બાદ 27 ડિસેમ્બર 2006ના તુલસીરામ પ્રજાપતિને પણ ગુજરાત અને રાજસ્થાન પોલીસે છાપરી ગામની બોર્ડર નજીક બોગસ એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.