શાહીબાગ કેન્ટોમેન્ટ વિસ્તારમાં કેમ્પ હનુમાન રોડ અને એરપોર્ટ રોડ પર આવેલા ગેટ નંબર 1 પાસેની ફૂટપાથ અને રોડ પર જવાનો ઝાડૂ મારતા હોવાના ફોટા કેન્ટોન્મેન્ટ બોર્ડના ઈલેક્ટેડ મેમ્બરે બહાર પાડયા છે. સ્વીપરોની અનિયમિતતાને કારણે આર્મીની છબી જાળવવા માટે જવાનોને જાતે રોડ સાફ કરવા પડતાં હોવાના ફોટા બહાર આવ્યા છે.
આ ફોટોમાં આર્મી જવાનો જાતે ઝાડુ મારતાં હોવાનું જોઈ શકાય છે. જવાનોને રોડ પર ઝાડૂ લગાવવું પડે તે દેશનું અને આર્મીનું અપમાન હોવાનો આક્ષેપ કેન્ટોન્મેન્ટ બોર્ડના ઈલેક્ટેડ મેમ્બર સુમેરસિંગે કર્યો છે.
ઈલેક્ટેડે મેમ્બર સુમેરસિંગ રાજપૂતે આર્મી જવાનો દ્વારા ઝાડૂ મારીને રોડ અને ફૂટપાથ સાફ કરવામાં આવતી હોય તેવા પાંચ જેટલા ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા છે. આ ફોટોમાં સ્પષ્ટપણે આર્મી જવાનો ઝાડૂ મારતા જોઈ શકાય છે.
આ અંગે ઈલેક્ટેડ મેમ્બર સુમેરસિંગના જણાવ્યા મૂજબ, 25 સફાઈ કામદાર રેગ્યુલર અને 60 સફાઈકર્મી ટેમ્પરરી બેઝ પર રાખવામાં આવ્યા છે. ફૂટપાથ અને રોડ સહિતની સાફ સફાઈની જવાબદારી તેઓની છે. જો કે,સફાઈકર્મીઓ અનિયમિત રહેતા હોવાથી રોડ કે ફુટપાથની સફાઈ થતી નથી. આ વિસ્તારમાં કેમ્પ હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે.
મંગળ અને શનિવારના દિવસે મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવતાં હોય છે. આથી આર્મીની છબી લોકોમાં ના ખરડાય તે માટે જવાનો જાતે રોડ સાફ કરીને સ્વચ્છ કરે છે. આર્મી જવાનને ઝાડૂ મારવું પડે તે યોગ્ય નથી.
મેં અગાઉ ચાર વર્ષ પહેલા પણ એક આર્મી જવાનની રજૂઆતને આધારે લેખિતમાં કેન્ટોન્મેન્ટ બોર્ડમાં ફરિયાદ કરી હતી. તે પછી બધુ વ્યવસ્થિત ચાલ્યું પણ ફરી આ સ્થિતિનું નિર્માણ થતાં આ અંગેના ફોટા મેં પૂરાવા રૂપે પાડયા છે.
સોમવારે આર્મી જવાનોને ઝાડૂ મારતાં જોઈને મારા મનને ઠેસ પહોંચી હતી. આર્મી જવાનો સાથેના આ અન્યાયને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય તેમ નથી. કેન્ટોન્મેન્ટ બોર્ડે આ અંગે સફાઈકર્મીઓ પર કાર્યવાહી કરવી જોઈએ તેમજ તેઓ નિયમિત રીતે સફાઈનું કામ કરે તે માટે આયોજન કરવું જોઈએ.
આ અંગે આર્મી કેન્ટોન્મેન્ટ ગુજરાતના પીઆરઓ સોમ્બીત ઘોષે બચાવ કરતાં જણાવ્યું હતું કે, આર્મી જવાનની ગાર્ડ ટીકેટ (ફરજનો આસપાસનો વિસ્તાર) હોય તે વિસ્તાર સાફ કરવાની જવાબદારી તેમની હોય છે. આ ઉપરાંત આર્મીમાં ટ્રેડ જવાન પણ હોય છે. જેમાં સાફ સફાઈ,કુકિંગ અને બાર્બર સહિતના ટ્રેડ જવાનોનો સમાવેશ છે.
ટ્રેડ જવાન હોય તો તે પણ સફાઈ કરી શકે છે પરંતુ આ ફોટો જોતા સ્પષ્ટ નથી થતું કે, ઝાડૂ લગાવનાર જવાન કયા પ્રકારનો છે. આ અંગે અમે તપાસ પણ કરી રહ્યા છીએ. જયારે ઈલેક્ટેડ મેમ્બરએ જણાવ્યું હતું કે, ઝાડૂ મારનાર જવાનો રેગ્યુલર ડયુટી કરે છે. જવાનો પાસ જ ઝાડૂ મરાવવું હોય તો સફાઈકર્મીઓને રાખવાનો કોઈ મતલબ નથી.
જવાનો ફરજનો આસપાસનો વિસ્તાર સાફ કરે તે બરાબર પરંતુ ફરજનો એરિયા 50 મીટર જેટલો ના હોય, જો ગાર્ડ જ સફાઈ કરવાની હોય તો સફાઈકર્મીઓના પગારના પૈસા આર્મીના વેલફેર ફંડમાં આપી જમા કરાવો.
કેન્ટોમેન્ટમાં રહેતાં પરિવારનો ત્યાં આવતાં મહેમાનો કે તેમના મિત્રો પણ તમારા ત્યાં આર્મી જવાનો ઝાડૂ મારે છે? તેવા સવાલ કરે છે. લોકોની નજરે પણ દેશ અને આર્મીનું અપમાન હોય એવું લાગે છે.