
દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે, તેનું બીજુ એક ઉદાહરણ હરિયાણામાં જોવા મળ્યું છે. અગાઉ ગુજરાતમાં અંકલેશ્વર ખાતે એક હોટલમાં નોકરીના ઈન્ટરવ્યૂ માટે યુવાનોએ પડાપડી કરી હતી. એવી જ બીજી ઘટના હરિયાણામાં સફાઈ કર્મચારીના ભરતી મેળામાં જોવા મળી હતી. હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી પદ માટે 46 હજારથી વધુ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. તેમાંય ખાસ વાત એ છે કે, માત્ર પગાર ધોરણ માત્ર રૂ. 15 હજાર જ હતું.
હરિયાણા સ્કીલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના આંકડાઓ અનુસાર, છ ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ 39990 ગ્રેજ્યુએટ અને 6112થી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોએ અરજી કરી હતી. તદુપરાંત 12મું ધોરણ પાસ 1,17,144 લોકોએ આ પદ માટે અરજી કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચકેઆરએન પુલના માધ્યમથી સરકારી વિભાગ, બોર્ડ અને નિગમોમાં નિમણૂક કરાયેલ કોર્પોરેશન સફાઈ કર્મચારીને રૂ. 15 હજાર પ્રતિ માસનો પગાર ચૂકવવામાં આવશે. નોકરી વિવરણમાં કામગીરી વિશે પણ દર્શાવવામાં આવ્યું હતું. વધુમાં ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ આ વિવરણ ધ્યાનથી વાંચ્યું હોવાનું એક ડિક્લેરેશન લેટર પણ જારી કરવાનો છે. જેમાં જાહેર સ્થળો, માર્ગ પરથી કચરો હટાવવાનું કામ સામેલ છે.