નવી દિલ્હી: નવા ત્રણ કૃષિ કાયદાઓ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવતા આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમ ચાર કલાકના રાષ્ટ્રવ્યાપી ‘રેલરોકો’ આંદોલનની બુધવારે જાહેરાત કરી હતી. ૧૨ ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં ટોલ વસૂલી થવા દેવામાં નહીં આવે એવી જાહેરાત આંદોલનની આગેવાની કરી રહેલા સમયુક્ત કિસાન મોરચાએ કરી હતીવર્ષ ૨૦૧૯ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ૧૪મીએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું કિસાન મોરચાએ કહ્યું હતું.દરમિયાન, બીકેયુના નેતા રાકેશ ટિકૈતે બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતોનો આશય કેન્દ્રમાં સરકાર બદલવાનો નથી, પરંતુ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. આંદોલનને વેગ આપવા અને વધુ વ્યાપક બનાવવા અમારા અનેક નેતાઓ દેશના વિવિધ ભાગમાં જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી અમારી વાત નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અમે સત્તામાં પરિવર્તન નથી ઈચ્છતા.સરકારે તેનું કામ કરવું જોઈએ. અમે માત્ર નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવે અને એમએસપી અંગે કાયદો લાવવામાં આવે એટલું જ ઈચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.નવા વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચેની એકતા યથાવત હોવાનું જણાવી તેમણે સરકારને કોઈપણપ્રકારના ભ્રમમાં ન રહેવાની ચેતવણી આપી હતી.