કોરોનાકાળમાં 2021માં ન યોજાઈ શકેલી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ હવે 10થી 12 જાન્યુઆરી, 2022 વચ્ચે યોજાશે. વિદેશી મૂડીરોકાણથી લઈને ભારતના વિકાસનો રોડમેપ આ સમિટમાં નક્કી થઈ શકે છે. અત્યારે વિશ્વની સૌથી મોટી પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે. મહાત્મા મંદિર ખાતે 10થી 12 જાન્યુઆરી સુધી યોજાનારી વાઈબ્રન્ટ સમિટ આ નિર્ણયને પગલે ગ્રીન સમિટ બની શકે છે.
મોદીના સૂચનને પગલે આ વખતની સમિટની ગ્રીન થીમ
છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારીને કારણે વિશ્વનું અર્થતંત્ર થંભી ગયું હતું. હવે સ્થિતિ પૂર્વવત બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતનો પણ ફાસ્ટ ટ્રેક મોડ પર વિકાસ કરવા સરકાર પ્રયત્નશીલ બની છે. વિશ્વભરના રોકાણકારોને આકર્ષવા માટે 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, જે ગયા વર્ષે યોજાઈ શકી નહોતી, એ હવે આગામી જાન્યુઆરીમાં યોજાવાની છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટનું ઉદઘાટન કરવાના છે અને તેમની જ સૂચનાથી આ વખતની સમિટને ગ્રીન થીમ પર યોજવામાં આવી રહી છે.
EV હશે તે જ મહેમાનની કાર મહાત્મા મંદિર જઈ શકશે
આ વખતની વાઈબ્રન્ટમાં ગ્રીન થીમનો અમલ કરવામાં આવ્યો છે. આ કારણથી જે આમંત્રિત મહેમાન અથવા VVIPની કાર ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) હશે એને જ છેક મહાત્મા મંદિર સુધી જવા દેવાશે, જ્યારે બાકીનાં તમામનાં કાર-વ્હીકલ પાર્કિંગ મહાત્મા મંદિરથી આશરે 2 કિ.મી. દૂર રહેશે. મહાત્મા મંદિરથી હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ સુધીના રૂટને પણ ગ્રીન ઝોન બનાવી દેવાશે. અહીં પણ ફક્ત EVની જ અવર-જવર થશે.
‘વેલકમ ટુ ગુજરાત, વેલકમ ટુ ગ્રોથ’ સૂત્ર સાથે નિમંત્રણ
વડાપ્રધાનના ઈન્વિટેશન કાર્ડમાં ઉલ્લેખ કરાયો છે કે વૈશ્વિક કક્ષાએ સામાજિક–આર્થિક વિકાસમાં ભારતનું વિશિષ્ટ્ર પ્રદાન અને સમૃદ્ધ વારસો રહ્યો છે. ગુજરાત આર્થિક વિકાસ સાથે રાષ્ટ્ર્ર નિર્માણમાં દેશનું મોખરાનું પ્રગતિ કરતું રાજ્ય છે. વાઇબ્રન્ટ સમિટ સાથે વણાઇ ગયેલી ભાવના ગુજરાતની ખુશ્બૂ અને ભારતની આર્થિક સફળતાને પ્રસ્તુત કરે છે. ગુજરાતમાં રોકાણની અનેક તકો શોધવા વિશ્વને 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ સાથે ભાગીદાર બનવા આમંત્રણ પાઠવું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આત્મનિર્ભર ભારતના નિર્માણનો પાયો નાખવા માટે સમિટમાં જોડાવા રોકાણકારોને ‘વેલકમ ટુ ગુજરાત–વેલકમ ટુ ગ્રોથ’ના સૂત્ર સાથે આમંત્રણ પાઠવ્યું છે.
છેલ્લે દુબઈમાં ગ્રીન થીમ પર યોજાઈ હતી ઈકોનોમી સમિટ
ગ્રીન સમિટ યોજીને આ વખતે ગુજરાત સરકાર પર્યાવરણ સંવર્ધનની દિશામાં પ્રશંસનીય પગલું ભરી રહી છે. વાઈબ્રન્ટ સમિટ વેળાએ ગાંધીનગરમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક વ્હીકલ આધારિત કરાયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે કોરોનાકાળ પહેલાં 20-21 ઓક્ટોબર, 2019ના રોજ દુબઈ ખાતે ગ્રીન થીમ પર વર્લ્ડ ઈકોનોમી સમિટ યોજાઈ હતી. એ સમિટમાં તો જે વીજ વપરાશ થયો હતો એ પણ કોલસા આધારિત નહીં, પરંતુ પવન અને સૌર ઊર્જા આધારિત વીજળી હતી.
અધિકારીઓ-મંત્રીઓ માટે પણ ફક્ત ઈલેક્ટ્રિક વાહનો
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ વખતે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને જ પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું છે. આ મુજબ સમિટમાં આમંત્રિત મહેમાનો ઉપરાંત તમામ અધિકારીઓ, મંત્રીઓ અને મહેમાનો માટે માત્રને માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરાશે. સામાન્ય રીતે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવનારા વિદેશ અને ભારતના મહેમાનો માટે અલગ અલગ લક્ઝુરિયસ કાર ફાળવવામાં આવતી હોય છે, પણ આ સમિટમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરી પ્રદૂષણ ફ્રીનો એક મેસેજ આપવામાં આવી શકે છે, આ અંગેનો આઈડિયા પણ સીધો જ વડાપ્રધાન કાર્યાલયથી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.