ગુજરાતમાં 14-15 જૂને આવી પહોંચશે મેઘરાજાની સવારી કાળઝાળ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસું નિયત સમય કરતાં વહેલું આવશે. હવામાન વિભાગે જણાવ્યું કે, જો સ્થિતિ સામાન્ય રહી તો 14-15 જૂને રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ જશે.હાલમાં ઈસ્ટ અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસર છવાયું છે. જેની અસર કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં શરૂ થઈ ગઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 10મી જૂનની આસપાસ સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 14-15 જૂનની આસપાસ ચોમાસું બેસી જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન વરસાદની ગતિ ધીમી રહેશે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડશે.નૈઋત્યનું ચોમાસું સમય કરતાં પહેલા જ કેરળ પહોંચી ગયું છે. એ સાથે જ ભારતમાં ચાર મહિનાની વરસાદની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. આગામી થોડા સપ્તાહમાં આ ચોમાસું ઉત્તર ભારત તરફ આગળ વધશે. ભારતીય હવામાન વિભાગે પુષ્ટિ કરી દીધી છે કે, કેરળમાં મંગળવારે નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગનું અનુમાન હતું કે, આ વર્ષે ચોમાસું 1 જૂનને કેરળના તટ પ્રદેશ પર પહોંચશે. પરંતુ ત્રણ દિવસ પહેલા જ ચોમાસું આવી ગયું છે. હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, છેલ્લા 3-4 દિવસમાં 14 મોનિટરિંગ સ્ટેશનો પર 60 ટકાથી વધુ વરસાદ રેકોર્ડ કરાયો છેઆ પહેલા પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટ અને ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) વચ્ચે ચોમાસાને લઈને મતભેદ ઊભો થયો હતો. આઈએમડીનું કહેવું છે કે, 10મે પછી સતત બે દિવસ સુધી મોનસૂન મોનિટરિંગના 14 સેન્ટર્સ પર 2.5 મિલિમીટર કે તેનાથી વધુ વરસાદ રેકોર્ડ થવાને કારણે મોનસૂન આવવાનો સમય બીજા દિવસે (29મે)એ માનવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને પહોંચે છે. તે પછી તે ઉત્તર તરફ વધે છે અને 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને કવર કરી લે છે. આ વર્ષે જલદી વરસાદ શરૂ થવાથી ખેડૂતો માટે સારા સંકેત જોવાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ખરીફ પાકની વાવણી જલદી શરૂ થઈ શકે છેઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુરમાં સોમવારે મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. રાધનપુરના લોટીયા ગામે સોમવારે મોડી સાંજે સીમ વિસ્તારમાં વીજળી પડતાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે એક ઘેટા અને બકરાનું મોત થયું હતું. આ યુવક તેના પિતા સાથએ બકરા ચરાવવા ગયો હતો ત્યારે તેના પર વીજળી પડી હતી. રાધનપુરના લોટીયા, ઠીકરીયા, ચલવાડા તેમજ સાંતલપુરના લોદરા, ગાંજીસર વિસ્તારમાં ઝાપટાં પડ્યાં હતા.