ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષા ગત 15 જુલાઈ એ લેવાઈ હતી. જેમાં આજે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 12 સાયંસના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી.માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે.A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત પાછળથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર જઈને પોતાનો સીટ નંબર નાંખવો પડશે. જે બાદ જ તેઓ પોતાનું પરિણામ જોઈ શકશે.બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10 અને 12માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. સરકારે રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. આ બાબતે રિપીટર વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી અને શિક્ષણ અધિકારીની કચેરીમાં પરિક્ષાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલો છેવટે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આખરે ગત 15 જુલાઈએ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી.