અમદાવાદ: ખેડૂતોનાં દેવાંમાફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માગ સાથે છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર ઊતરેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ તેમજ અન્ય પાટીદાર અગ્રણીઓના હસ્તે પારણાં કર્યાં છે.
પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યું કે સમાજ સામે ઝુકી, સરકાર સામે નહીં. ઉપવાસના પારણાં સમાજના માન માટે કર્યાં છે. પારણા ફકત વડીલોના માન-સન્માન માટે કર્યાં. સમાજના અગ્રણીઓના સન્માન માટે પારણાં કર્યાં. હું સરકાર સામે ઝુકીશ નહીં. જે લોકો મારા સમર્થનમાં ઉપવાસ કરી રહ્યાં છે તે પારણા કરી લેજો.ભગતસિંહ બન્યા તો દેશદ્રોહી બની ગયા, ગાંધીજી બન્યા તો નજર કેદ બની ગયા. અમારી લડાઇ ખેડૂતો માટે છે. અમે સમાજના વિરોધી નથી. ત્રણ માગને લઇને હાર્દિક પટેલ છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર હતાે અને એક વખત હોસ્પિટલમાં પણ તે દાખલ થયો હતો છતાં પણ ભાજપ સરકારે કોઇ મચક આપી ન હતી. છેવટે પાટીદાર સમાજની સંસ્થાઓ અને વડીલો દ્વારા તેમને પારણાં કરી લેવા માટે સમજાવાયો હતો.
પાસના પ્રવક્તા મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે, છેલ્લા ૧૯ દિવસથી ઉપવાસ પર ઊતરેલ હાર્દિક પટેલને પારણાં કરી લેવા માટે સમજાવવા ગઇ કાલે પાટીદાર સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ, વડીલો આવ્યા હતા. હાર્દિક પર સમાજના વડીલો, આગેવાનો અને માતા-બહેનોનું દબાણ હતું કે તે પારણાં કરી લે. હાર્દિકને પારણા કરવા માટે સમજાવવામાં આવ્યો હતો અને રાજ્યના જિલ્લાના કન્વીનરો અને કાર્યકર્તાઓ સાથે પણ પાસની ટીમે વાતચીત કરી હતી. તેઓએ પ્રસ્તાવ મૂક્યો હતો કે હાર્દિક પટેલને સમાજની, દેશના ખેડૂતો, ગરીબોને જરૂર છે. સરકારની તાનાશાહી સામે લડવા માટે હાર્દિકનું જીવન જરૂરી છે. દરેક ચર્ચાના અંતે હાર્દિકની સહમતી હતી અને હાર્દિક આજે સમાજના લોકોના અને ખેડૂતના હિતમાં આજે બપોરે પારણા કરવા સહમત થયો હતો. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ઊંઝા ઊમિયાધામના ટ્રસ્ટી પ્રહ્લાદ પટેલ, સમાજના આગેવાન સી.કે. પટેલ, આર.પી. પટેલ, કે.પી. પટેલ તેમજ દિનેશ કુંભાણી સહિત સરદારધામ, સીદસર ધામ સહિતની સંસ્થાઓના વડીલો દ્વારા પારણા કરાવવામાં આવ્યાં.
મનોજ પનારાએ જણાવ્યું હતું કે, સરકારની તાનાશાહી અને હિટલરશાહીથી છેલ્લા ૧૯ દિવસથી હાર્દિક પટેલ ઉપવાસ પર હોવા છતાં એક દિવસ માટે કે એક સેકન્ડ માટે પણ સરકારે વાતચીતનો પ્રયાસ કર્યો નથી. પાસની સાથે કોઇ પણ સીધો સંવાદ કર્યો નથી. આગામી દિવસોમાં સરકારને વાત માનવી પડશે.