કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે તેમણે કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતને રાઈટ કરવાની વાત કરી છે, પણ પ્રજાએ કોંગ્રેસને રોન્ગ કરી છે તે તેમણે ચિંતા કરવાની જરૂર છે. કોંગ્રેસનો ઢંઢેરો બતાવે છે કે તે સત્તા પર નહિ આવે.
અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં કેવો માહોલ છે ? ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કેવી ટક્કર થશે? કયા કામોને આધારે સ્થાનિક સ્વરાજના જંગમાં ભાજપ જીતશે? આ તમામ સવાલોનો જવાબ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝી 24 કલાકને આપ્યો.ચૂંટણીમાં જીત વિશે તેમણે કહ્યું કે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરે છે. હાલનો સમય ગુજરાત માટે સુવર્ણ યુગ છે. જે વિકાસના કરવા ધારીએ તો કરી શકીએ છીએ. કોર્પોરેશનમાં ફરી ભાજપની સત્તા આવે તો વિકાસ પૂરપાટ વેગે દોડશે.
લોકો ભાજપને ખોબલે ખોબલે ભરીને મત આપશે. પાર્ટીએ નવા નિયમો બનાવ્યા છે, જેથી ઉત્સાહ છે. નવા યુવાનોને પણ અમે જોડ્યા છે. 2015માં પંચાયતોમાં અમારી સ્થિતિ ખરાબ બની હતી,
તે હવે ઉલ્ટુ બનશે. કોંગ્રેસને રહીસહી સીટ મળે તો નસીબદાર બનશે. ચૂંટણીમા કયા મુદ્દા સાથે ભાજપ પ્રજા વચ્ચે જશે તે વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકાસના મુદ્દે જ ચૂંટણીમાં જઈશું. વિકાસની રાજનીતિને આગળ વધારીશું. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. સમય અને કાળ અનુસાર તેની વ્યાખ્યા બદલાય છે. એક સમયે રસ્તા, ગટર પાણી મુદ્દે ચૂંટણી ચાલતી હતી. હવે એ સમય પૂરો થઈ ગયો છે. તેથી અમે ઉત્તમથી સર્વોત્તમ તરફ જઈશું. હવે અમે ઓવરબ્રિજ, મેટ્રો ટ્રેન, સ્માર્ટ સિટીની વાત કરીશું. વિકાસની ભાષા બદલાઈ છે. દુનિયાના આધુનિક શહેરો સાથે ગુજરાતના શહેરો કોમ્પિટ કરશે. ત્રણ વર્ષમાં 300 ટીપી સ્કીમ બનાવી. વિકાસનો આધાર ટીપી સ્કીમ છે. ડેવલપમેન્ટ પ્લાન બધા પૂરા કર્યા છે. નક્કર નગર આયોજન સાથે આગળ વધી રહ્યાં છીએ. લોકોને આંખે પાટવા બાંધવાની વાત છે. ગુજરાતની પ્રજા શાણી છે. ભાજપે જે કહ્યું છે તે કર્યું છે. ભાજપ પર 25 વર્ષથી જનતાએ વિશ્વાસ મૂક્યો છે.