સત્તામાં ચાર વર્ષ પૂરાં કરી ચૂકેલી નરેન્દ્ર મોદી સરકાર મતદારોને આકર્ષવા માટે મેગા હેલ્થ પ્રોટેક્શન પ્રોગ્રામ ‘મોદી કેર’ બાદ વધુ એક મોટો દાવ અજમાવવા જઈ રહી છે. સરકાર 50 કરોડ નોકરિયાત લોકો માટે કલ્યાણકારી યોજના લાવવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલીક મહત્ત્વપૂર્ણ અને મહત્ત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરવાની તૈયારીમાં છે, પણ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં મર્યાદિત સમય અને સંસાધનોની અછત આ યોજનાઓ શરૂ કરવામાં અવરોધ બની શકે છે.
રિપોર્ટ મુજબ, વડાપ્રધાન મોદી 2019 પહેલાં 3 કલ્યાણકારી યોજનાઓને લાગુ કરવા માગે છે. આ યોજનાઓ છે – ઓલ્ડ એજ પેન્શન, લાઇફ ઇન્સ્યોરન્સ અને મેટર્નિટી બેનિફિટ્સ.આ કલ્યાણકારી યોજનાઓથી સરકારને 2019ની ચૂંટણીઓમાં રાજકીય ફાયદો મળી શકે છે, પરંતુ તેનાથી દેશની રાજકોષીય ખાધ પર વધુ દબાણ આવશે, જે પહેલેથી જ એશિયન દેશોમાં સૌથી વધુ છે. આ પહેલાં સરકારે લગભગ 10 કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયાના મફત વીમાની યોજનાની જાહેરાત કરી હતી. ‘મોદી કેર’ના નામથી ચર્ચિત સ્વાસ્થ્ય વીમા યોજનાથી લગભગ 50 કરોડ લોકોને લાભ થશે.સરકારે 15 કેન્દ્રીય શ્રમ કાયદાને સરળ કરી અને તેનો વિલય કરી એક કાયદાનું સ્વરૂપ આપતા એક બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે બિનસંગઠિત ક્ષેત્ર સહિત તમામ કર્મચારીઓને ફાયદો પહોંચાડશે. બિલને સંસદની આગામી સિઝનમાં રજૂ કરવામાં આવી શકે છે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે બ્લૂમબર્ગ સાથે વાતચીતમાં પુષ્ટિ કરી છે કે, સરકાર 50 કરોડ વર્કફોર્સને સોશિયલ પ્રોટેક્શન આપવાની તૈયારીમાં છે. જોકે અધિકારીએ યોજના વિશે વિસ્તારમાં જાણકારી આપી નથી. યોજના તમામ વર્કર્સ માટે છે, પણ સરકાર દેશના કુલ વર્કફોર્સના નીચલા 50 ટકા અંગે ચિંતિત છે. તેમના માટે સરકાર કોઈ નિશ્ચિત રકમ પેન્શન તરીકે આપી શકે છે