ઑડિશન નહીં, ડાયરેક્ટ કનેક્શન: અનુપ્રિયા ગોએન્કા

0
66

‘ટાઇગર ઝિન્દા હૈ’ અને ‘પદ્માવત’માં કામ કરીને સારી એવી લોકપ્રિયતા મેળવનાર બૉલીવૂડ અભિનેત્રી અનુપ્રિયા ગોએન્કા વૅબ સિરિઝનો ચહેરો પણ છે. ડિજિટલ પ્લેટફોર્મ ભણી વળી રહેલા બૉલીવૂડ કલાકારોમાં અનુપ્રિયા ક્યારની આવી ગઇ છે.

તે ‘ક્રિમિનલ જસ્ટીસ’, ‘ધ ફાઇનલ કોલ’, ‘અભય’ અને ‘સેકર્ડ ગેઇમ્સ’ કરી ચૂકી છે.

તાજેતરમાં તેની રિતિક રોશન સાથેની ‘વૉર’ ફિલ્મ પણ રિલીઝ થઇ છે. જોકે, તેને બહુ સારો પ્રતિસાદ નથી મળ્યો, પણ અનુપ્રિયાની ગાડી આગળ ચાલી રહી છે.

અનુપ્રિયા કહે છે, ‘ટાઇગર ઝિન્દા હૈ’ અને ‘પદ્માવત’ એ બે ફિલ્મોએ મારી ઇમેજ બદલી નાંખી છે. મને તેનાથી જ ઓળખ મળી છે. વધુ ને વધુ લોકો મને આ ફ્લ્મિથી જાણતા થયા. જોકે, તેનાથી મારા વ્યક્તિત્વમાં કોઇ ફેરફાર થયો નથી. હું હજુ પણ રીઝર્વ્ડ વ્યક્તિ છું. મારામાં કોઇ બદલાવ આવ્યો નથી. ફક્ત બદલાવ એ આવ્યો છે કે આ ફિલ્મો કરતા પહેલા મારે બહુ ઑડિશન આપવા પડતા હતા, પણ હવે મારી પાસે નિર્માતાઓ સીધા નેરેશન કરવા આવે છે. લોકો મારો પ્રોજેક્ટ માટે સીધો સંપર્ક કરે છે. ભગવાનના મારા પર આશીર્વાદ છે. આથી મેં હવે મારી અંગત ટીમ પણ બનાવી લીધી છે. જેમાં સ્ટાઇલિસ્ટ, મેક-અપ આર્ટિસ્ટ વગેરેની નિમણૂંક મેં કરી લીધી છે. હવે મને કામ મળવા લાગ્યું છે.

જોકે, હું માનું છું કે હજુ હું ઇન્ડસ્ટ્રીમાં શીખી રહી છું. મારે અહીં મારું મહત્ત્વ નથી વધારવું, પણ એક્ટર બનવું છે. મને અભિનય કરવો ગમે છે અને હું અહીં ઇન્ડસ્ટ્રીમાં છું તેનું મુખ્ય કારણ એ જ છે. સેકર્ડ ગેમ્સ પણ મને ઓડિશન આપીને જ મળી હતી. હું તે સમયે ટાઇગર ઝિન્દા હૈનું શૂટિંગ દુબઇમાં કરી રહી હતી. પહેલી સિઝનમાં હું સૈફની ભૂતપૂર્વ પત્ની મેઘાની ભૂમિકામાં હતી. તેમાં મારા કેટલાક સીન હતા. પછી તો મને યશરાજની ફિલ્મ ‘વૉર’ પણ મળી. હું ખાસ કરીને રોલ અને સ્ક્રીપ્ટ જોઇને ફિલ્મો પસંદ કરું છું. સ્ક્રીપ્ટ અર્થપૂર્ણ હોવી જોઇએ. તો જ ફિલ્મ રસપ્રદ બને અને હું તેમાં કામ કરવા ઇચ્છું. અત્યારે હું ‘અસુરા’ સિરિઝ કરી રહી છું. મને તેનો વિષય બહુ ગમ્યો હતો. અસુરા સિરિઝ થ્રિલર છે. હું અરશદ વારસી સાથે કામ કરવા માગું છું, જેની સાથે હું એક એડ ફિલ્મમાં કામ કરવાની હતી, પણ તે વાત બની નહીં, એમ તે કહે છે.

અનુપ્રિયાફિલ્મ, ડિજિટલ એડ, શોર્ટ ફિલ્મો બધું જ કરે છે. તે વર્ષમાં ત્રણથી ચાર એડ ફિલ્મો કરે છે. જોકે, તે ગમે તો જ નહીં તો આ વર્ષે તેણે હજુ એક જ ફિલ્મ કરી હોવાનું તે કહે છે. એક એડમાં તો તે લેસ્બિયન પણ બની હતી.

આજે ઇન્ડસ્ટ્રીમાં બહુ સ્પર્ધા છે ત્યારે અનુપ્રિયા કહે છે, આજે પ્રતિભાની બહુ કિંમત નથી હોતી. બધા જ કામ કરવા આવે છે. આથી બધું કામ કેટલાયે કલાકારોમાં વહેંચાઇ જાય છે. આથી ક્યારેક કામ ના હોય તો ફ્રસ્ટ્રેશન પણ આવી જાય. આથી ક્યારેક મારે વિચારવું પડે કે હવે શું કરવું, પણ મને ખબર પડી ગઇ છે કે મારું જીવન મારે કેવી રીતે બનાવવું. મને નથી ખબર કે મારી કાલ કેવી હશે. અહીં બધું જ અણધાર્યું થતું હોય છે. પણ તે બહુ રોમાંચક હોય છે.