એક મહિલા સહિત ત્રણ લૂંટારાઓ શનિવારે મધરાત પછી આરે કૉલોનીમાં ઘૂસ્યા અને કરિયાણાના દુકાનદારની પત્નીના ગળા પર રેઝર મૂકીને જે હોય તે આપી દેવાની માગણી કરી હતી. દુકાનદારની પાસે નોંધપાત્ર રકમ નહીં હોવાથી એણે પાડોશી પાસે માગીને બે હજાર રૂપિયા લૂંટારાને આપ્યા હતા. દિંડોશી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ત્રણ લૂંટારા ૨૫ વર્ષના ડેવિડ ચાર્લ્સ કોંડકર ઉર્ફે પપ્પુ, ૨૩ વર્ષના રફિક અન્સારી અને ૨૨ વર્ષની સાર્શી ગોરેગાંવકરની ધરપકડ કરી હતી.
આરે કૉલોનીના યુનિટ નંબર ૩૨માં રહેતા ૪૪ વર્ષના પ્રવીણ સાવંતે જણાવ્યું હતું કે ‘હું નોકરી પરથી આવીને જમ્યા પછી રાતે લગભગ એક વાગ્યે સૂતો હતો. બારણું ખખડાવવાનો અવાજ સાંભળીને મેં કાણાંમાંથી જોયું તો એક મહિલા(સાર્શી) કોઈ તાકીદનું કામ હોવાથી બારણું ખોલવાનું કહેતી હતી. મેં દરવાજો ખોલવાની ના પાડી પણ એણે ખખડાવવાનું ચાલુ રાખ્યું હતું. એ મહિલા મુશ્કેલીમાં હોવાનું ધારીને સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરતી મારી પત્ની વિદ્યાએ જાગીને બારણું ખોલ્યું હતું.’
૪૨ વર્ષની વિદ્યાએ બારણું ખોલતાંની સાથે સાર્શી અંદર ગઈ અને એની પાછળ કોંડકર અને અન્સારી ઘૂસ્યા હતા. સાર્શીએ પ્રવીણને કહ્યું કે ‘દસ હજાર રૂપિયા ન આપે તો તારી પત્ની અને બાળકોને ખતમ કરી નાખશું.’ પ્રવીણે કહ્યું કે ‘મારી પાસે અત્યારે ફક્ત ૨૦૦ રૂપિયા છે. તમે કહો તો બહાર જઈને પૈસા લઈ આવું.’ લૂંટારાઓએ વિદ્યાના ગળે રેઝર મૂકી રાખ્યું હતું. એ વખતે પ્રવીણે પાડોશીઓ પાસે જઈને પૈસા માગ્યા હતા. એના પાડોશમાં ઘરકામ કરતી મહિલાઓ જેવાં ગરીબો રહે છે. અડધી રાતે એમને ઉઠાડીને સ્થિતિ જણાવી ત્યારે એ બધાએ એમની પાસે જે રકમ હોય એ આપી દીધી હતી. આઠ પાડોશીઓ પાસેથી એકઠા થયેલા બે હજાર રૂપિયા લૂંટારાઓને આપ્યા ત્યારે એ લોકો નીકળ્યા હતા.
દિંડોશી પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપીઓ હાઈવે પર એકલ-દોકલ લોકોને લૂંટે છે. પ્રવીણ સાવંતને લૂંટ્યા પછી રાતે પોણા બે વાગ્યે એ ત્રણ લૂંટારાઓએ રિક્ષામાં જતા રિયલ એસ્ટેટ એજન્ટ મંગેશ જાધવ પાસેથી સોનાની ચેઇન અને મોબાઇલ ફોન મળીને એક લાખ રૂપિયાની મત્તા લૂંટી હતી. આ ત્રિપુટીમાં યુવતી સાર્શી લિફ્ટ લેવાને બહાને રિક્ષા કે ટૅક્સી રોકતી હતી. ત્યાર પછી ડ્રાઇવર કે પ્રવાસી પર છેડતીનો આરોપ મૂકીને ઝઘડો કરતી હતી. એ સમયગાળામાં કોંડકર અને અન્સારી ત્યાં પહોંચીને ડ્રાઇવર કે પ્રવાસી પર હુમલો કરતા અને લૂંટ ચલાવતા હતા. પોલીસે ડેવિડ કોંડકર અને રફિક અન્સારીને શનિવારે પરોઢિયે ઝડપી લીધા અને રવિવારે સવારે સાર્શીની ધરપકડ કરી હતી.