દિવાળીમાં દરેક મહિલામાં ગજબનું એક્સાઇટમેન્ટ જોવા મળે છે. ઘરની સાફ-સફાઈ, એની સજાવટ, જાતજાતના નાસ્તા, શોપિંગ અને બ્યુટી પાર્લરની મુલાકાત. ફેસ્ટિવ સિઝનમાં ઘરની શોભા વધારવા અને મહેમાનોની સરભરા માટે તેઓ જેટલી ઉત્સાહિત હોય છે, એટલી જ કાળજી પોતાના સૌંદર્યને નિખારવા માટે કરે છે.
ઇનફેક્ટ દિવાળીમાં તો ખૂબસૂરત દેખાવાની ચાહત વધી જાય છે. ટૉપ ટુ બૉટમ સ્ટાઇલિશ અને ખૂબસૂરત દેખાવા તેઓ ઇનોવેટિવ અને ફેન્સી તરીકા અપનાવે છે. આ સિઝનમાં હટકે લુક માટે શું કરવું જોઈએ, જાણી લો.
દિવાળીની તૈયારીમાં મહિલાઓ જોશમાં આવીને એટલાંબધાં કામો કરી નાખે છે કે ટાંકણે જ થાકી જાય છે. ગમે એટલા મેકઅપના થપેડા કરો કે ડિઝાઇનર વસ્ત્રો પહેરો પણ થાકેલા હશો તો તહેવારને માણી નહીં શકો. દિવાળીમાં સુંદર દેખાવું જેટલું અનિવાર્ય છે એટલું જ જરૂરી છે કે તમે ફ્રેશ દેખાઓ. સઘળાં કામ પૂરાં થઈ જાય પછી સૌથી પહેલાં રિલેક્સ એન્ડ રિફ્રેશ થઈ જાઓ. શરીરને હળવુંફૂલ બનાવવા બૉડી સ્પા અને મસાજ થેરપી કારગત નીવડશે. મસાજનો કન્સેપ્ટ જ શરીરને આરામ આપવાનો છે.
આ સમયે સ્પામાં ભીડ બહુ હોય છે. તેથી પહેલેથી અપોઇન્ટમેન્ટ લઈ લેવામાં સમજદારી છે. સ્કીન ટેનિંગ દૂર કરાવવા બૉડી પોલિશિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. એનાથી ત્વચા સ્વચ્છ થાય છે અને ગ્લો કરે છે. જો થોડા વધુ પૈસા ચૂકવતાં બ્યુટીશિયન ઘરે આવવા તૈયાર હોય તો બેસ્ટ ડિલ કહેવાય. બૉડી સ્પાની સાથે હેર મસાજ અને હેર સ્પા કરાવવાનું ન ભૂલતાં.