અમદાવાદ
પોલીસે જાહેરનામા ભંગના કુલ 1071 ગુનાઓ દાખલ કર્યાં, 1566 વાહનો જપ્ત કર્યાં
રાજ્યમાં કોરોનાનો આંકડો હવે ધીમી ગતીએ ઘટી રહ્યો છે. તે ઉપરાંત લોકોને નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર તથા પોલીસતંત્ર પણ કડકપણે કામગીરી કરી રહ્યું છે.કોરોના મહામારી વચ્ચે એકમાત્ર માસ્ક જ સંક્રમણ સામે રક્ષણ આપી રહ્યું છે, જેને પગલે પોલીસ દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે પોલીસે 9 અને 10 ડિસેમ્બરે રાજ્યમાં માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 2.42 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. તે ઉપરાંત જાહેરનામા ભંગના કુલ 1071 ગુનાઓ દાખલ કર્યાં હતાં. તે ઉપરાંત 1566 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
9 અને 10 ડિસેમ્બરે રાજ્યમાં પોલીસે બે કરોડથી વધુ રકમ દંડ પેટે વસૂલી
પોલીસ વિભાગ દ્વારા નિયમોનું પાલન નહીં કરનારા લોકો પાસેથી 9મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 583 ગુનાઓ દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાં માસ્ક નહીં પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનાર 12 હજાર 240 લોકો પાસેથી 1 કરોડ 21 લાખ 92 હજાર 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત કર્ફ્યુ ભંગ તેમજ એમવી એક્ટ 207ની જોગવાઈઓના ભંગ બદલ 761 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત 10મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 488 ગુનાઓ દાખલ કરીને માસ્ક નહીં પહેરનાર તથા જાહેરમાં થૂંકનારા 12 હજાર 344 વ્યક્તિઓ પાસેથી 1 કરોડ 22 લાખ 87 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ 805 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
અમદાવાદમાં આઠ મહિનામાં જાહેરનામા ભંગની 32 હજાર ફરિયાદ
અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા 24 માર્ચથી 30 નવેમ્બર સુધી અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામા ભંગમાં કુલ 32 હજાર 284 કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 41 હજાર 54 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે છેલ્લા માસ્ક ન પહેરવાના ગુનામાં 2 લાખ 78 હજાર 746 લોકો કેસ કરવામાં આવ્યા છે. જ્યારે 14 કરોડ 89 લાખ 300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
અમદાવાદમાં આઠ મહિનામાં માસ્ક ન પહેરનાર 2.78 લાખ લોકો સામે કેસ
અમદાવાદ શહેરમાં માસ્ક વિના ફરતા લોકોને પકડવા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય છે. ત્યારે અમદાવાદ પોલીસે આઠ મહિનામાં માસ્ક ન પહેરનાર 2.78 લાખ લોકો સામે કેસ કર્યા છે. જ્યારે તેમની પાસેથી 14.89 લાખનો દંડ વસૂલ્યો છે. આ સાથે જ લોકોને માસ્ક ફરજિયાત પહેરવાના નિયમનું પાલન કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. જો કે દંડાત્મક કાર્યવાહી છતાં લોકો માસ્ક ન પહેરતા હોવાનું દંડની રકમ અને નોંધાયેલા કેસના આધારે કહી શકાય છે.
છેલ્લા બે દિવસમાં રાજ્યમાં પોલીસે કરેલી કાર્યવાહી
વિગત સંખ્યા
જાહેરનામા ભંગના ગુનાઓ 1071
દંડિત વ્યક્તિઓની સંખ્યા 24584
જપ્ત કરાયેલા વાહનોની સંખ્યા 1566
એરેસ્ટ કરાયેલ વ્યક્તિઓની સંખ્યા 2216
વસૂલવામાં આવેલ દંડની રકમ( રૂપિયામાં 2,44,79,500