અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ગુજરાતના કચ્છમાં ધોરડો ખાતે આવેલા ટેન્ટ સિટીમાં એક વિશેષ કાર્યક્રમમાં માંડવી ખાતે નિર્માણ પામનાર દૈનિક 10 કરોડ લિટરના ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ ખાવડામાં વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ ઉર્જા પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. પીએમ મોદી બપોરે કચ્છના ભુજ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા ધોરડો પહોંચ્યા હતા. ધોરડોમાં તેઓ સાંજ સુધી રોકાણ કરશે અને બાદમાં નવી દિલ્હી પરત ફરશે.
આ ઉપરાંત કચ્છના અંજાર ખાતે સરહદ ડેરીના સંપૂર્ણ ઓટોમેટેડ પ્લાન્ટનું ભૂમિપૂજન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટમાં પ્રતિદિન બે લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ તેમજ પેકેજિંગ થઈ શકશે જેને ચાર લાખ લિટરની ક્ષમતા સુધી વિસ્તારી શકાશે.