ગુજરાતના પાટણ ખાતે આંગડિયાને લૂંટી પોલીસ પર ગોળીબાર કરવાના કેસમાં સંડોવાયેલો મુખ્ય શૂટરને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પાલઘર જિલ્લાના નાલાસોપારાથી પકડી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૦ના ઈન્ચાર્જ વિનય ઘોરપડેની ટીમે શુક્રવારે નાલાસોપારા પૂર્વના પેલ્હાર ખાતેથી પકડી પાડેલા આરોપીની ઓળખ અબ્દુલ વહાબ રફીકમિયાં સૈયદ (૪૩) તરીકે થઈ હતી. તેની વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ જેવા અનેક ગુના નોંધાયેલા છે. અપહરણ બાદ બળાત્કારના એક કેસમાં કોર્ટે તેને દોષી પણ ઠેરવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતના આ જ કેસમાં અન્ય એક આરોપી સુધીર દત્તાત્રય શિંદે (૫૦)ને ક્રાઈમ બ્રાન્ચે ગયા વર્ષે મલાડ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ લૂંટ અને ગોળીબારની ઘટના ૧૩ ઑગસ્ટ, ૨૦૧૯ની ભરબપોરે પાટણ શહેરમાં બની હતી. ૧૪ જણની ટોળકીએ યોજના બનાવી આંગડિયાની કચેરીમાં ડાયમંડ અને રોકડ મળી અંદાજે સાત લાખની મતા લૂંટી હતી. જોકે સમયસર પહોંચી ગયેલી પોલીસથી બચવા આરોપીએ ગોળીબાર કર્યો હતો, જેને પગલે પોલીસે પણ વળતો ગોળીબાર કરવો પડ્યો હતો.આ ઘટના બાદ ફરાર થઈ ગયેલો શૂટર સૈયદ વારંવાર સ્થળ બદલીને રહેતો હતો. આરોપી શિંદેની પૂછપરછમાં મળેલી માહિતીને આધારે પોલીસ તેની શોધ ચલાવી રહી હતી. દરમિયાન સૈયદ નાલાસોપારામાં છુપાયો હોવાની માહિતી એપીઆઈ પઠાણને મળી હતી. સાથીઓ સાથે ખંડણી માટે ડેવલપર પર હુમલો કરવાના કેસમાં દિંડોશી પોલીસ પણ તેને શોધી રહી હતી. પકડાયેલા સૈયદને વધુ તપાસ માટે દિંડોશી પોલીસને સોંપી આ અંગે પાટણ પોલીસને જાણ કરાઈ હતી. ૨૦૧૨માં કુરાર પોલીસે તેને વર્ષ માટે તડીપાર કર્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.