નવી દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસાના સંબલપુરમાં શરૂ થનારી IIMનો શીલાન્યાસ વિડિયો કોન્ફરન્સ દ્વારા આજે સવારે કર્યો હતો. આ પ્રસંગે ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક પણ સમારોહમાં સહભાગી થયા હતા.નવીન પટનાઇક ઉપરાંત રમેશ પોખરિયાલ, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ ચંદ્ર સારંગી જેવા કેન્દ્રીય પ્રધાનો પણ હાજર હતા.આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે આ IIM ઓરિસાના યુવાનોના સામર્થ્યને સુદ્રઢ કરશે. આ શીલા અને અહીં સ્થપાનારો કાયમી કેમ્પસ ઓરિસાની મહાન સંસ્કૃતિ અને સંસાધનોને વિશ્વ સમક્ષ મૂકવા ઉપરાંત મેનેજમેન્ટડ વિશ્વમાં ઓરિસાને નવી ઓળખ આપશે.આ કેમ્પસનું નિર્માણ કાર્ય 2022 સુધીમાં પૂરું કરવાની યોજના છે. આ ઇમારતમાં તમામ લેટેસ્ટ ટેક્નોલોજીકલ સુવિધાઓ હશે. વડા પ્રધાને આ કાર્યક્રમમાં યુવાનો અને સ્ટાર્ટ અપમાં રસ ધરાવતા સૌ કોઇને જોડાવાની હાકલ કરી હતી. આ IIM ફ્લીપ્ડ ક્લાસરૂમ શરૂ કરનારી પહેલી IIM બની રહેશે. વડા પ્રધાને દેશના વિકાસ કાર્યોમાં સંનિષ્ઠ પ્રદાન કરનારી તમામ IIMને બિરદાવી હતી. તેમણે કહ્યું કે વિદેશોમાં આપણા સેંકડો યુવાનો આવી IIMમાં તૈયાર થઇને જવાબદારી ભર્યા હોદ્દાઓ પર કાર્યરત છે. રાષ્ટ્રીય વિકાસમાં પણ IIM એ બહુ માતબર ફાળો આપ્યો હતો. આપણે આવી IIM સંસ્થાઓ માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ.તેમણે કહ્યું કે આજના સ્ટાર્ટ અપ આવતી કાલના સફળ ઉદ્યોગપતિ છે. એમના ઉત્સાહને આપણે વધારવાનો છે. સંબલપુર એક મોટો એજ્યુકેશન હબ બની રહ્યો હતો. ફાર્મિંગથી માંડીને સ્પેસ સેક્ટર સુધી સ્ટાર્ટ અપ્સનો સ્કોપ વધી રહ્યો હતો. વડા પ્રધાને કહ્યું કે લોકલને ગ્લોબલ બનાવવા માટે આઇઆઇએમના વિદ્યાર્થીઓએ નવા અને ઇનોવેટિવ સાધનો શોધવા પડશે. તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આઇઆઇએમ લોકલ ઉત્પાદકો અને ગ્લોબલ ઉત્પાદકો વચ્ચે કડી રૂપ બની શકે છે. આ દાયકો દેશની પ્રગતિ માટે ઉત્તમ છે એવો અભિપ્રાય પણ તેમણે વ્યક્ત કર્યો હતો.