ભારતમાં કોરોનાની બીજી લહેર ભયંકર જોખમી જોવા મળી રહી છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે અને નવા કેસ મામલે વધારો થવાની સાથે સાથે મોતના આંકડામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ભયંકર જોખમી જોવા મળી રહી છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે અને નવા કેસ મામલે વધારો થવાની સાથે સાથે મોતના આંકડામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. કોવિડ-19ના નવા કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 4.12 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 3900થી વધુ મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,12,262 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,10,77,410 પર પહોંચ્યો છે. જેમાંથી 35,66,398 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,29,113 દર્દીઓ રિકવર પણ થયા છે. જો કે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 24 કલાકમાં કોરોનાએ 3980 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,30,168 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 16,25,13,339 લોકોનું રસીકરણ કરાયું છે. સતત વધી રહેલા કેસ વચ્ચે સવાલ ઉઠે છે કે આખરે કોવિડ-19ની બીજી લહેરનો પીક ક્યારે આવશે અને ક્યારે કેસમાં ઘટાડો થવા લાગશે. સરકારના મેથમેટિકલ મોડલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ.વિદ્યાસાગરનું કહેવું છે કે કોરોના વાયરસનો પીક આ અઠવાડિયે પોતાના પીક પર રહી શકે છે અને બીજી લહેરનો પીક 7મી મેના રોજ થઈ શકે છે. ત્યારબાદ કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળશે.તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી અને સૌથી પહેલા કોરોનાનો પીક પણ અહીં જ આવશે અને સૌથી પહેલા દર્દીઓની સંખ્યા ઘટવાની શરૂઆત પણ અહીંથી થશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા રાજ્યોમાં પણ કોરોનાના આંકડા વધુ રહેશે. જ્યારે જે રાજ્ય મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં પીક ધીરે ધીરે આવશે અને કેસ પણ મોડેથી ઓછા થશે.