શહેરના આનંદનગર વિસ્તારમાં દારુ પીને ધમાલ કરનારા એક 26 વર્ષના યુવકને તેના ઘરમાંથી બહાર કાઢવા પોલીસે ઘરનું બારણું તોડવું પડ્યું હતું. આ યુવકનું નામ આનંદ ગોસ્વામી હોવાનું બહાર આવ્યું છે, જે પોતાની સોસાયટીના જ ગાર્ડનમાં બેસીને અડધી રાત્રે દારુ પી રહ્યો હતો. આનંદનગર પોલીસ સ્ટેશને આનંદની ધરપકડ કરી છે.કનક કલા-2 ફ્લેટના ગાર્ડનમાં આનંદ ગુરુવારે રાત્રે અઢી વાગ્યે દારુ પી રહ્યો હતો, અને ઘોંઘાટ કરી રહ્યો હતો. તે વખતે સોસાયટીમાં રહેતા કોકીલાબેન પારેખે તેને ધમકાવ્યો હતો. જોકે, આનંદ કોકીલાબેનને મનફાવે તેમ ગાળો ભાંડવા લાગ્યો હતો, અને કોકીલાબેનને ઘરે જઈ ઊંઘી જાઓ તેમ કહ્યું હતું. બીજા દિવસે સવારે કોકીલાબેન ફરિયાદ લખાવવા જતા હતા ત્યારે આનંદે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આનંદનો અને કોકીલાબેનનો ઝઘડો ચાલતો હતો ત્યારે એક પાડોશીએ દખલ દીધી હતી. જોકે, આનંદે તે પાડોશીને પણ ગાળો ભાંડી હતી. આખરે ઝઘડાનો અવાજ સાંભળી લોકો ભેગા થયા ત્યારે આનંદ ત્યાંથી રવાના થઈ પોતાના ઘરમાં ભરાઈ ગયો હતો. આખરે સોસાયટીના લોકોએ વારંવાર દારુ પીને તોફાન કરતા આનંદ સામે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.પોલીસ ફરિયાદ બાદ આનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેએસ જાધવ પોતાની ટીમ સાથે કનકકલા-2 ફ્લેટમાં પહોંચ્યા હતા, અને કોકીલાબેનનું નિવેદન નોંધ્યું હતું. આખરે પોલીસ આનંદનું નિવેદન નોંધવા તેના ઘરે પહોંચી હતી. જોકે, બે કલાક સુધી બેલ માર્યા બાદ પણ આનંદે દરવાજો નહોતો ખોલ્યો. આખરે પોલીસે ડ્રીલ મશીનની મદદથી આનંદના ફ્લેટના દરવાજામાં કાણું પાડી તેને ખોલ્યો હતો.દરવાજો તોડી પોલીસ આનંદના ઘરમાં પહોંચી ત્યારે તેની સાથે એક યુવતી અને દારુની બોટલો પણ મળી આવી હતી. આખરે તેને અરેસ્ટ કરી આનંદનગર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આનંદે રાજકીય દબાણ ઉભું કરવા પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ તેને તાબે નહોતી થઈ. પોલીસ આનંદને વાન તરફ લઈ જતી હતી ત્યારે પણ તેણે ચાળા કર્યા હતાબીજી તરફ, અમદાવાદ મિરર સાથે વાત કરતા કોકિલાબેને જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી આનંદ ત્રાસ આપી રહ્યો છે, પરંતુ ગુરુવારે તો તેણે બધી લિમિટ તોડી નાખી હતી, જેથી સોસાયટીના સૌ સભ્યોએ ભેગા મળીને તેની સામે પોલીસ ફરિયાદ લખાવવાનું નક્કી કર્યું હતું. આ જ સોસાયટીમાં રહેતા દર્શન શાહે જણાવ્યું હતું કે, આનંદે એક વાર તો ગુંડાઓને બોલાવી સોસાયટીના લોકોને ધમકાવ્યા હતા.એન ડિવિઝનના એસીપી એન્ડ્ર્યુ મેકવાનના જણાવ્યા અનુસાર, આનંદ ગોસ્વામી સામે પ્રોહિબિશનની તેમજ સિનિયર સિટીઝન પર હુમલો કરવાની એમ બે અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીને પણ હાલ પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સોસાયટીના લોકોએ પોલીસને સીસીટીવી ફુટેજ પણ સોંપ્યા છે, જેમાં આનંદની તમામ કરતૂત કેદ છે.