ત્રીજી લહેરમાં બાળકો પર વધુ જોખમ હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે
અમદાવાદ : અમદાવાદ જિલ્લા આરોગ્યની ટીમે અમદાવાદ ગ્રામ્યમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી છે. જેમાં 0 થી 5 વર્ષના બાળકોનું સ્કેનિગ કરવામાં આવશે. ધરે ધરે જઈને બાળકોની માહિતી મેળવવામાં આવશે. જે બાળકોમાં પ્રાથમિક લક્ષણો જણાશે તેવા બાળકોની સારવાર શરૂ કરાશે તેમજ કોર્મોબીટ બાળકો હશે તો તેનું લિસ્ટ તૈયાર કરાશે. જો ત્રીજી લહેર આવે તો કોર્મોબીટ બાળકોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન અપાશે અને બાળકો સંક્રમિત ન થાય તે માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોકટર ચિંતન દેસાઈએ જણાવ્યું છે કે 0 થી 5 વર્ષના બાળકોનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક લક્ષણો દેખાતા હશે તો સ્થળ પર સારવાર આપવામાં આવશે. તેમજ ક્વોરન્ટાઇન અને આઇસોલેશનમાં રાખવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગોતરા આયોજન પ્રમાણે 20 પીડિયાસ્ટિક હોસ્પિટલ નક્કી કરેલી છે. તેમજ સોલા સિવિલમાં 100 બેડ જેમાંથી 20 icu બેડ તૈયાર કરાશે. ત્રીજી લહેર આવે તો પણ અમદાવાદ જિલ્લા આરોગ્યની ટીમ લોકો અને બાળકોના સ્વાસ્થ્ય સલામત રાખવા સજ્જ છે.મેડિકલ ઓફિસર ડોકટર મીનલબેન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યમાં લોકોનો સહયોગ સારો છે. લોકોને પણ અપીલ કરી છે કે આરોગ્યની ટીમ બાળકોના સર્વેલન્સ માટે આવે ત્યારે સપોર્ટ કરે અને પોતાના બાળકોનું સ્કેનિગ કરાવે. બાળકોને ઘર બહાર લઈ જતા હોય તો માસ્ક ફરજિયાત પહેરાવે. બાળકો વડીલોનું અનુકરણ કરતા હોય છે એટલે વડીલો પણ માસ્ક પહેરે તો જ બાળકો માસ્ક પહેરશે.