ગાંધીનગરમાં યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આવનારાં મહેમાનોની સુવિધા માટે ગાંધીનગર રેલવે સ્ટેશનની ઉપર ફાઇવસ્ટાર હોટેલ બનાવવામાં આવી છે. આ હોટેલની માલિકી સરકારની છે પરંતુ તેનું સંચાલન લીલા ગ્રૂપને આપવામાં આવ્યું છે. મહેમાનોની સરભરા માટે લીલા આગામી સમયમાં આ હોટેલમાં પરમિટ લિકર શોપ પણ ઊભી કરશે. આ હોટેલમાં મહેમાનોની આવનજાવન નિયમિત બને તે પછી લિકર શોપ અને બાર ઊભાં કરવામાં આવશે. આ સાથે ગુજરાત સરકારની માલિકીની મિલકત એવી હોટેલ કે ગેસ્ટ હાઉસમાં આ પહેલી હોટેલ હશે જેમાં લિકર શોપ હશે અને તે પણ ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક.રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ હોટેલની માલિકી ભલે ગુજરાત સરકારની હોય પરંતુ તેમાં હોસ્પિટાલિટીના સ્ટાન્ડર્ડ ફાઇવસ્ટાર હોટેલ પ્રમાણે લીલા પોતે અનુસરશે. આથી ગુજરાત સરકારે તેને સંચાલન આપ્યું હોવાથી લીલા ગ્રૂપે સરકારમાં લિકર શોપ ઊભી કરવા અરજી કરવાની રહેશે. જે મંજૂરી રાજ્ય સરકારનું નશાબંધી અને આબકારી ખાતું આપશે.આ હોટલ 790 કરોડ રૂપિયાના ખર્ચે બની છે જેની સંપૂર્ણ માલિકી ગુજરાત સરકારે બનાવેલાં સ્પેશિયલ પર્પઝ વેહીકલ ગરુડની રહેશે. જેમાં 76 ટકા હિસ્સો સરકારનો તથા 24 ટકા હિસ્સો ભારતીય રેલવે મંત્રાલયનો રહેશે. જ્યારે આ હોટલની કુલ આવકમાંથી થતાં નફાના બે ટકા લીલાને મળશે. જો નફો દસ ટકા કરતાં વધે તો તે રકમ ચાર ટકા અને કોઇપણ કિસ્સામાં નફાના મહત્તમ સાડા છ ટકા જેટલી આવક લીલા ગ્રૂપને થશે. આ હોટલની માિલકી ગુજરાત સરકારના હાથમાં જ રહેશે.ગુજરાત સરકારના પ્રવાસન નિગમના વિવિધ સ્થળે ગેસ્ટ હાઉસ તેમજ સરકારના દિલ્હી સહિતના વિવિધ મહાનગરોમાં ભવન પણ છે, પરંતુ આ પૈકી કોઇમાં પણ દારૂની પરમિટ ધરાવતી શોપ નથી.વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અગાઉ ફોરેન ગેસ્ટ આવતા હોવાથી તેમના માનમાં યોજાતાં ગાલા ડીનરમાં શુદ્ધ શાકાહારી ભોજન જ પિરસવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલાં સ્થળને કારણે ગાંધી વિચારધારાને લઇને વિદેશી મહેમાનોને નોનવેજ કે શરાબ પિરસવામાં નથી આવતા. સરકારે સ્પષ્ટતા કરી હતી કે જો આ મહેમાનોને નોનવેજ કે શરાબ જોઇએ તો તેઓ જ્યાં રોકાયાં હોય તે હોટલ પર જ મળશે.વડાપ્રધાન મોદી આજે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગર રેલવે સ્ટેશન તથા અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં નવનિર્મિત રોબોટેકી ગેલેરી, નેચર પાર્ક સહિતના આકર્ષણોનું ઉદ્ઘાટન કરશે.