દેશમાં રાજકારણીઓના અને ખાસ કરીને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઠાઠ માઠ રાજા મહારાજાઓ જેવા હોય છે.રાજકારણીઓના વીઆઈપી કલ્ચર વચ્ચે એક કિસ્સો આશ્ચર્ય પમાડે તેવો છે. મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી બનેલા એલ મુરૂગનના માતા પિતા આજે પણ આકરા તાપમાં ખેતરમાં મજૂરી કરતા દેખાય છે.તાજેતરના કેબિનેટ વિસ્તરણમાં મુરૂગનને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે પણ તેમના માતા વરૂદમ્મલ અને પિતા લોગનાથન કહે છે કે, અમે શું કરીએ પુત્ર જો કેન્દ્રીય મંત્રી બની ગયો હોય તો, અમને મોદી કેબિનેટમાં પુત્રને સ્થાન મળ્યુ તે માટે ગૌરવ છે પણ અમે તેનો શ્રેય લેવા માંગતા નથી. પુત્રની કેરિયરમાં અમારૂ કોઈ ખાસ યોગદાન નથી.એક અંગ્રેજી અખબારે તેમની મુલાકાત લીધી હતી. અખબારના અહેવાલ પ્રમાણે વરૂદમ્મલ અને લોગનાથન એક ઝુપડીમાં રહે છે. તેઓ ક્યારેક ખેતરમાં કામ કરે છે તો ક્યારેક કુલીના કામ કરી છે. સરવાળે તેઓ રોજનુ કમાઈને રોજનુ ખાનારા છે. પુત્ર કેન્દ્રીય મંત્રી છે તેનાથી તેમને ફરક પડ્યો નથી. પુત્ર મંત્રી બન્યા પછી પણ તેમણે ખેતરોમાં કામ કરવાનુ ચાલુ રાખ્યુ છે.2000ની સાલમાં મુરૂગનને તામલિનાડુ ભાજપના પ્રમુખ બનાવાયા ત્યારે તેઓ માતા પિતાને મળવા માટે આવ્યા હતા. માતા પિતાએ શાંતિથી પુત્રનુ સ્વાગત કર્યુ હતુ. પુત્રની સફળતાનુ તેમને ગૌરવ છે પણ તેઓ સ્વતંત્ર રહેવા માટે મક્કમ છે. પાંચ વર્ષ પહેલા તેમના નાના પુત્રની મોત થયુ હતુ. એ પછી પુત્રની પત્ની અને બાળકોની જવાબદારી પણ તેઓ સંભાળે છે.મુરૂગન અંગે તેમના પિતા કહે છે કે, તે પહેલેથી જ ભણવામાં હોશિયાર હતો. તે કોલેજમાં ભણવા ગયો ત્યારે મારે લોકો પાસે તેની ફી ભરવા માટે પૈસા ઉધાર લેવા પડ્યા હતા. એ પછી અમને મુરૂગન ચેન્નાઈ આવીને રહેવા માટે આગ્રહ કરતો હતો. અમે ક્યારેક ત્યાં જતા અને થોડા દિવસ તેની સાથે રહેતા હતા.જોકે તેની લાઈફ સ્ટાઈલ એવી હતી કે, અમને ત્યાં ફાવતુ નહોતુ. એટલે અમે ગામમાં પાછા ફરી ગયા હતા.મુરૂગને મંત્રી બન્યા બાદ તેમની સાથે વાતચીત કરી હતી. ત્યારે માતા પિતાએ તેમને પૂછ્યુ હતુ કે, ભાજપ પ્રમુખનુ પદ મોટુ હોય કે કેન્દ્રીય મંત્રીનુ ગામના સરપંચ કહે છે કે, મુરૂગનના માતા પિતાની જિંદગીમાં કોઈ બદલાવ નથી આવ્યો. સરકાર કોવિડ સમયે રાશન આપી રહી હતી ત્યારે તેઓ પણ લોકોની સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા. બંને પોતાની સાદગી માટે જાણીતા છે.