મહુવા : જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ખાતે અંબિકા નદી (Ambika River)માં ન્હાવા ગયેલ સુરત ના એક જ મુસ્લિમ સમુદાયના પરિવાર (Muslim Family)ના પાંચ વ્યક્તિઓ ડૂબી જવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બે વ્યક્તિની લાશ મળી છે તો અન્ય ત્રણ લોકોની શોધખોળ ચાલી રહી છે. પોલીસતંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છેપ્રાથમિક પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના કુમકોતર જોરાવર પીર ખાતે અંબિકા નદીમાં ન્હાવા જતા ડૂબી જવાના બનાવો બનતા જ રહે છે ત્યારે વધુ એક ગોઝારો બનાવ બનવા પામ્યો હતો. સુરતના એક પરિવાર જોરાવરપીર ખાતે દર્શન કરવા આવ્યા હતા તે દરમિયાન જોરાવર ખાતે આવેલ અંબિકા નદીમાં ન્હાવા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી જવા પામ્યા હતા. જેમાં બે વ્યક્તિની લાશ મળી આવી હતી જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે મહુવા પોલીસનો તાત્કાલિક ધોરણે ધસી આવી તપાસ હાથ ધરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ભોગ બનનાર મુસ્લીમ પરિવાર સુરતના લીંબાયત વિસ્તારનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક જ પરિવારના સભ્યો કુમકોત્તર જોરાવર પીર ખાતે આવ્યા હતા અને નદીમાં નાહ્વા પડ્યા હતા, આ સમયે અચાનક એક પછી એક પરિવારના સભ્યો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હાલમાં રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી તેમની શોધખોળ ચાલી રહી છે. પરંતુ રાત્રીના અંધકારમાં હવે વધારે રેસક્યુ કરવું મુશ્કેલ બની ગયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના એક સભ્યએ માહિતી આપતા જણાવ્યું છે કે, સવારે 10 વાગે રીક્ષા લઈ આ પરિવાર જોરાવર પીર ગયો હતો. જેમાં મૃતક મહિલાનું નામ રુક્ષામલી શલીમશા કુકીર, જ્યારે પાણીમાં ગરકાવ જેમની શોધખોળ ચાલી રહી છે તેમાં (1) પરવીન બી જાવીદશા કુકીર, (2) રૂક્ષારબી જાકુરશા સલીમશા કુકીર, (3) આરીકુશા સલીમશા કુકીર, તો (4) સમીમબી આરીકુશા સલીમશા કુકીર હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને બારડોલીના વાઘેયા તાપી નદીમાં સ્થાનિક તરવૈયાઓને યુવકો ડૂબી રહેલા દેખાયા હતા. જોકે, આ યુવકો પાણીના ધસમસતા વહેણમાં ક્યારે તણાવા લાગ્યા તે કોઈને સમજાયું નહીં. જોત જોતામાં એકબીજાની નજર સામે જ આ યુવકો ડૂબવા લાગ્યા હતા. દેખાવમાં શાંત પ્રવાહ જેવી લાગતી આ નદીની ઉંડાઈ કે તેના વહેણનો અંદાજો લગાવ્યા વગર એડવેન્ચર માટે તાપીમાં ગયેલા આ યુવકોને કાળનો સામનો થઈ ગયો. જોકે, 6 પૈકીના ચાર યુવકો નસીબદાર હતા એટલે એમનો બચાવ થઈ ગયો. તો આ યુવકોમાંથી એકનું મોત થયું હોવાની વિગતો સામે આવી હતી. જેમાં સુરતના પર્વત પાટિયા વિસ્તારનો પ્રવિણ નાહતા નદીમાં ડૂબ્યો અને તેનું દુખદ મોત થયું હતું