અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે મોંઘા વાહન પર વધુ ટેક્સ ચૂકવો પડશે. 15 લાખ રૂપિયાથી ઉપરના વાહનના ટેક્સ દરમાં 0.5 ટકાથી 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય રેવન્યૂ કમિટીએ કર્યો છે. આ નિર્ણયનો આગામી 1 ઓક્ટોબરના રોજ અમલ થઇ જશે એએમસી રેવન્યૂ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે સુપર રિચ કિંમત ધરાતા SUV પ્રકારના વાહનો મહત્તમ ઇંધણનો ઉપયોગ કરે છે. તેવા વપરાશથી ખુબ વાયુ પ્રદૂષણ થાય છે. જેથી આવા સુપર રિચ કલાસના વાહનધારકો પાસેથી વાહન વેરામાં વર્તમાન દરમાં 0.5 ટકાથી 2 ટકા સુધી તબક્કાવાર વધારો કરવાનો નિર્ણય કરાયો છે. 15 લાખથી 24 લાખ 99 હજાર 999 સુધી બેઝીક પ્રાઇઝના 3 ટકા લેખે હતા જે નવો સુધારો બેઝીક પ્રાઇઝના 3.5 ટકા કરાયો છે. 25 લાખથી 49 લાખ 99 હજાર 999 સુધી બેઝીક પ્રાઇઝના 3 ટકા લેખે હતા જેમા હવેથી નવો સુધારો બેઝીક પ્રાઇઝના 4 ટકા કરાયો છે. આ સાથે 50 લાખથી ઉપરના વાહનમાં બેઝીક પ્રાઇઝના 3 ટકા હતા જેમાં હવે 2 ટકા વધારો કરીને 5 ટકા બેઝીક પ્રાઇઝના કરવામાં આવ્યા છે. વધુમાં ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ શહેરનો સમાવેશ કરેલ છે. શહેરમાં એરક્વોલિટીગ સુધારો થાય તે હેતથી વર્ષ 2021-22માં ટૂ વ્હિલર ઇલેક્ટ્રીક વાહનોમાં વસુલાતા આજીવન વાહનવેરામાં 100 ટકા રાહત આપવાનું બજેટમાં ઠરાવવાનાં આવેલ છે. પરંતુ હવે ટૂ વ્હિલર સિવાય અન્ય તમામ ઇલેક્ટ્રીક વાહનોને પણ વાહનવેરામાં 100 ટકા રાહત આપવામાં આવે છે .વાહનની બેઝીક પ્રાઇઝ પ્રમાણે વ્હિકલ ટેક્ષ વસુલવામાં આવે છે. વાહન ખરીદે ત્યારે ફક્ત એક જ વાર લાઇફ ટાઇમ વ્હિકલ ટેક્ષ ભરવાનો હોય છે. આ નિર્ણયથી એેએમસી તિજોરીમાં વર્ષે 10 કરોડની આવક વધવાનો અંદાજ છે.