Banaskantha : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે કે કેમ તેને લઈ હજી અનિશ્ચિતતા છે. અંબાજીના કલેક્ટરે કહ્યું કે રાજ્ય સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. જે પણ નિર્ણય સરકાર કરશે તેનું વહીવટી તંત્ર પાલન કરશે. ભાદરવી પૂનમે અંબાજી મંદિર ખુલ્લુ રહેશે. અંબાજી મંદિરમાં ભક્તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના કોરોના નિયમોનું કડક પાલન કરીને દર્શન કરી શકશે. કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ શક્યો નથી.આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો 13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવશે પરંતુ મેળાના આયોજનને લઇને હજું સુધી સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી. સરકાર દ્વારા હજુ મેળા મામલે કોઇ નિર્ણય ન લેવાતા માંય ભક્તો નિર્ણયની રાહ જોઇ રહ્યાં છે. જો કે ભાદરવી પૂનમના મેળાને લઇને હજુ સુધી કોઇ જ તૈયારી શરૂ ન થઇ હોવાથી મેળો નહીં યોજાય તેવા સંકેત સ્પષ્ટ મળી રહ્યાં છે.ભાદરવી પૂનમના મેળાના લઇને અંબાજી સંઘના પ્રમુખ અને કલેકટર આનંદ પટેલ સાથે વાતચીત કરવામાં આવી. જો કે તેમણે જણાવ્યું હતું કે, “કોરોનાની મહામારી અને થર્ડ વેવની દહેશત વચ્ચે મેળાનું આયોજન કરવું યોગ્ય નથી. પરંતુ આ મામલે આખરી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવશે, સરકારની જે ગાઇડ લાઇન હશે તે મુજબ આયોજન થશે. ”, ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસનો જ સમય બાકી છે પરંતુ આ મામલે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા ન કરવામાં આવતા મેળા ન યોજાય તેવા સંકેત હાલ તો મળી રહ્યાં છે.