ભારતીય ક્રિકેટ ટીમમાં આગામી દિવસોમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં મોટું પરિવર્તન આવે તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ બાદ સીમિત ઓવર્સની ક્રિકેટમાંથી રાજીનામુ આપી શકે છે. ટીમ ઈન્ડિયાના હીટમેન રોહિત શર્માને વનડે અને ટી-20ના કેપ્ટન બનાવવામાં આવે તેવી પણ શક્યતા છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 32 વર્ષીય વિરાટ કોહલી જે હાલ ભારતના ત્રણેય ફોર્મેટના કેપ્ટન છે અને ભારતના અત્યાર સુધીના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે તેમણે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપની જવાબદારી શેર કરવાનો નિર્ણય લીધો છે. વિરાટે છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન રોહિત અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી વાતચીત કરી છે. જાણવા મળ્યા મુજબ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર તેની ખૂબ અસર પડી છે. કોહલીના મતે તેમની બેટિંગને વધારે સમય અને વધારે સ્પીડની જરૂર છે.આગામી વર્ષ 2022 અને 2023માં ભારત 2 વર્લ્ડ કપ રમવાનું છે જેને કારણે વિરાટની બેટિંગને મહત્વની માનવામાં આવે છે. વિરાટ ટેસ્ટમાં પોતાની કેપ્ટનશિપ ચાલુ રાખી શકે છે. તેઓ હાલ 32 વર્ષના છે અને આગામી 5-6 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે.