વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં નદીઓને બચાવવાનું આહ્વાન કર્યું. વડાપ્રધાને વિશ્વ નદી દિવસના અવસરે કહ્યું કે, “આપણે ત્યાં કહેવાય છે કે, ‘પિબન્તિ નદ્યઃ સ્વય-મેવ નામ્ભઃ’ અર્થાત નદીઓ પોતાનું જળ જાતે નથી પીતી, પરંતુ પરોપકાર માટે આપે છે. આપણા માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણ માટે નદી એક જીવંત એકમ છે, અને તેથી જ તો આપણે નદીઓને માતા કહીએ છીએ.મન કી બાતમાં વડાપ્રધાને કહ્યું કે, આપણા માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી, આપણા માટે નદી એક જીવંત એકમ છે. તેથી જ આપણે નદીઓને ‘મા’ કહીએ છીએ. આપણા જેટલા પણ પર્વ, તહેવાર, ઉત્સવ તમામ આપણી આ માતાઓના ખોળામાં જ યોજાય છે. વડાપ્રધાને સવાલ કર્યો કે, તમે નદીના આટલા ગીત ગાઈ રહ્યા છો, નદીને માતા કહી રહ્યા છો તો નદી પ્રદૂષિત કેમ થઈ જાય છે? આપણા શાસ્ત્રોમાં નદીઓમાં થોડું પણ પ્રદૂષણ કરવાને ખોટું ઠેરવવામાં આવ્યું છે. હાલના સમયમાં એક વિશેષ ઇ-ઓક્શન, ઇ-હરાજી ચાલી રહી છે. આ ઇલેક્ટ્રોનિક હરાજી તે ઉપહારો માટે થઈ રહી છે જે મને સમય-સમય પર લોકોએ આપી છે. આ હરાજીથી જે નાણા આવશે, તે નમામિ-ગંગે અભિયાન માટે જ સમર્પિત કરવામાં આવશે. દેશભરમાં નદીઓને બચાવવાની આ જ પરંપરા, આ જ પ્રયાસ, આ જ આસ્થા આપણી નદીઓને બચાવી રાખે છે.